અણીયારી ટોલનાકા નજીક ટોમેટો સોસની આડમાં લઈ જવાતો દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

- text


મોરબી એલસીબી ટીમે 33.76લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો, એક ફરાર

મોરબી : મોરબી એલસીબી ટીમે માળીયા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીકથી ટોમેટો સોસની આડમાં લઈ જવાતો વિદેશી દારૂની જંગી જથ્થો ઝડપી લઈ રૂપિયા 33.76 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો અને એક શખ્સને ફરાર દર્શાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના એએસઆઈ રામભાઈ મઢ, હેડ કોન્સ્ટેબલ નિરવભાઈ મકવાણા, ભરતસિંહ ડાભી અને કોન્સ્ટેબલ ભગિરથસિંહ ઝાલાને બાતની મળેલ કે અમદાવાદ તરફથી એક ટ્રકમાં ટોમેટો સોસની આડમાં દારૂ અને બિયરનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ સંયુક્ત બાતમીને આધારે માળીયા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક વોચ ગોઠવવામાં આવતા પસાર થયેલ આરજે – 19 – GA – 3838 નંબરનો ટ્રક નીકળતા અટકાવી તલાશી લેવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

વધુમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની ટ્રક ચાલક હનુવંત ખનગારામ બીશ્નોઈના કબ્જામાંથી પોલીસે હેમઝ ટોમેટો સોસની આડમાં લઈ જવાતી ઓફિસર ચોઇસ બ્રાન્ડ વિદેશી દારૂની 5,760 બોટલ કિંમત રૂપિયા 17.28 લાખ, જિન્સબર્ગ બ્રાન્ડ બિયર નંગ 3480 કિંમત રૂપિયા 3.48 લાખ, ટોમેટો સોસની બોટલ નંગ 3420 કિંમત રૂપિયા 2,95,800 ટાટા કંપનીનો ટ્રક કિંમત રૂપિયા 10 લાખ અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 33,76, 800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મોરબી એલસીબી ટીમે પાડેલા આ દરોડામાં આરોપી ટ્રક ચાલકે દારૂના આ ગોરખધંધામાં બાડમેરના ઓમપ્રકાશ કેશારામ બીશ્નોઈની સંડોવણી હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ માળીયા મિયાણા પોલીસ મથક ખાતે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

આ સફળ કામગીરી મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા, એલસીબી ટીમ, પેરોલ ફર્લો સ્ક્વોડ અને ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- text