ચોમાસુ મોડું ! આ વર્ષે કેરળમાં ચોમાસાના આગમનમાં વિલંબ થશે, 

- text


હવામાન વિભાગના મતે 4 જૂને ચોમાસુ બેસે તેવી શક્યતા

મોરબી : સામાન્ય રીતે કેરળમાં ચોમાસાના આગમન બાદ મહારાષ્ટ્ર અને બાદમાં આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાનું આગમન થતું હોય છે.પરંતુ ભારતીય હવામાન વિભાગના વિવિધ છ મોડેલના અભ્યાસ બાદ આ વર્ષે કેરળમાં 1 જુનને બદલે 4 જૂને વિલંબથી ચોમાસાનું આગમન થાય તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગની માહિતી પ્રમાણે આ વખતે કેરળ ખાતે ચોમાસાનું 4 જૂનના રોજ આગમન થઈ શકે છે, તેના આગમનમાં નિયત સમય કરતાં થોડો વિલંબ થશે. સામાન્ય રીતે કેરળમાં 1લી જૂને દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસતુ હોય છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં તેના નિયત સમય કરતાં થોડુ મોડું આવશે, 4 દિવસની વધઘટ સાથે કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.

ચોમાસાને લગતા આગાહીમાં આ છ મોડેલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જેમાં ઉત્તરપશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાન, દક્ષિણ પેનિનસુલાને લઈ ચોમાસા પૂર્વેનો વરસાદ, દક્ષિણ ચાઈના સીને લઈ લોંગ વેવ રેડિએશનની અસર, દક્ષિણ પૂર્વ હિન્દ મહાસાગર પર લોવર ટ્રોપોસ્ફેરિક ઝોનલ વિન્ડ, સબટ્રોપિકલ પેસિફિક સમુદ્રને લઈ પ્રેસર અને ઉત્તર પૂર્વ હિંદ મહાસાગર પર અપર ટ્રોપોસ્ફેરિક ઝોનલ વિન્ડને ધ્યાને લેવામા આવે છે.

- text

ગયા વર્ષે ચોમાસુ 29મી મેના રોજ આવ્યું હતું, જે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. છેલ્લા 18 વર્ષ (2005-2023) દરમિયાન કેરળમાં ચોમાસાને લગતી ઓપરેશનલ ફોરકાસ્ટ કરવામાં આવે છે,જે વર્ષ 2015ને બાદ કરતા અત્યાર સુધી બિલકુલ ખરી રહી છે, તેમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું.ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે મે મહિનાના પ્રથમ પખવાડિયામાં ગરમીની સ્થિતિ એકંદરે ઓછી રહી છે. આગામી સાત દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારત પહોંચશે, આ સંજોગોમાં હિટવેટની એટલી વ્યાપક અસર થાય તેવી શક્યતા નહીંવત છે.

- text