એ પાલિકામાં આવો તો હેલ્મેટ પેરજો ! નહીં તો તોલો રંગાઈ જશે

- text


મોરબી નગરપાલિકા કચેરી જર્જરિત, વારંવાર ખરતા પોપડા : આખા ગામને નોટિસ આપતા પાલિકા તંત્રને કોણ નોટિસ આપશે ?

નવી નગરપાલિકા બનાવવાનું કામ એક વર્ષથી બંધ, જર્જરિત બિલ્ડીંગમાં ભયના ઓથાર હેઠળ કામ કરતા કર્મીઓ

મોરબી : કઈ કામ હોય અને પાલિકામાં જવું પડે તો હેલ્મેટ પહેરીને જજો…. કેમકે અહીં ગમે ત્યારે છતના પોપડા પડતા હોય તોલો રંગાઈ જવાની શક્યતા છે, સૌરાષ્ટ્રની સૌથી મોટી અને એ-વન ગ્રેડની ગણાતી મોરબી નગરપાલિકાની પોલમપોલ સામે આવી છે. મોરબી નગરપાલિકાનું બિલ્ડીંગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. પાલિકાની બિલ્ડીંગ જોખમી હોવાથી ગમે ત્યારે તેમાંથી પોપડા નીચે પડે છે. તેથી ભયના ઓથાર હેઠળ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જો કે નગરપાલિકા તંત્ર શહેરમાં જે બિલ્ડીંગ જોખમી હોય એને હટાવી દેવા માટે નોટિસ સહિતની કાર્યવાહી કરે છે. અહીંયા તો ખુદ નગરપાલિકા કચેરી જ જોખમી છે. તેથી આ નગરપાલિકા તંત્રને જોખમી હોવાની કોણ નોટિસ આપશે તેવો વેધક સવાલ ઉઠ્યો છે.

હાલની મોરબી નગરપાલિકા કચેરીને અંદાજીત 50 વર્ષ જેવો સમય થઈ ગયો છે. આથી સમય જતાં હવે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ નગરપાલિકાનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે. છેલ્લા ઘણા સમયથી નવી નગરપાલિકા કચેરી બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. પણ આ નવી નગરપાલિકા કચેરી બનાવવાનું કામ છેલ્લા એકાદ વર્ષથી બંધ હાલત છે. એટલે નવી નગરપાલિકા બનાવવાનું કામ અધૂરું છે આથી આ નવી નગરપાલિકા ક્યારે બનીને કાર્યરત થશે એ નક્કી નથી. ત્યારે હાલની નગરપાલિકાની સ્થિતિ કંગાળ છે. ખાસ કરીને નગરપાલિકાના કાઉન્સીલ કાઉન્સીલ હોલ જોખમી બની ગયો હોવાથી વારંવાર પોપડા ખરે છે. આથી કાઉન્સીલ હોલ બેસવા લાયક રહ્યો નથી.આથી સદસ્યોની મીટીંગ અને જનરલ બોર્ડ પાલિકાના ટાઉનહોલમાં રાખવામાં આવતા હતા. ત્યારબાદ કાઉન્સીલ હોલને જન્મ મરણ વિભાગમાં ફેરવી નાખવામાં આવ્યો છે.

આ વિભાગમાં અવારનવાર ઉપરથી મસમોટા સ્લેબના પોપડા નીચે પડે છે. 15 દિવસ પહેલા જ જન્મ મરણ વિભાગમાં ઉપરથી મસમોટા સ્લેબના પોપડા નીચે પડ્યા હતા.ત્યારે સદનસીબે કોઈને ઇજા પહોંચી ન હતી. ઘણા લોકો જન્મ મરણ વિભાગના આવતા હોય પાલિકાની જર્જરિત બિલ્ડીંગ હોય લોકો ઉપર અને કર્મચારીઓ ઉપર જીવનું જોખમ રહે છે. એક તો આ નગરપાલિકા ભારે જર્જરિત છે. અને બીજી તરફ નવી નગરપાલિકા બનવાનું કામ છેલ્લા એક વર્ષથી બંધ છે આથી કર્મચારીઓની જીવ અધ્ધર થઈ ગયો છે. ત્યારે આખા ગામમાં જૂની બિલ્ડીંગો સામે કાર્યવાહી કરતી પાલિકા પોતાની જ જર્જરિત બિલ્ડિંગ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે મોટો સવાલ છે.

- text

- text