કરોડોની સ્ટ્રીટ લાઈટ ક્યાં ? સ્પીડ બ્રેકર ગાયબ ! તપાસ માંગતી કોંગ્રેસ 

- text


મોરબી પાલિકામાં ભાજપ રાજમાં બે વર્ષમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરો 

મોરબી : સુપરસીડ થયેલી મોરબી નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ હોવાનો આરોપ લગાવી મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપના રાજમાં સ્ટ્રીટલાઈટ કૌભાંડ, સ્પીડ બ્રેકર કૌભાંડ સહિતની નાણાકીય ગેરરીતિનો આરોપ લગાવી તપાસની માંગ કરી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લેખિત નિવેદન કરતા જણાવ્યું છે કે, મોરબી નગરપાલિકામાં ભાજપના શાસકો છેલ્લા બે વર્ષમાં પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સરેઆમ નિષ્ફળ ગયેલ છે હાલમાં પણ પ્રજાને પ્રાથમિક સુવિધાઓ મળવાને બદલે ખાટલે મોટી ખોટ હોય તેમ પ્રજાના ટેક્સના પૈસાથી ભરાયેલી તિજોરી ભાજપે ખાલી કરી નાખેલી છે જેના કારણે મોરબી શહેરમાં કચરા કલેક્શન કરતી ગાડીઓ બંધ છે. રોડ રસ્તાઓ ઉપર કચરાઓના ઢગલાઓ ખડકાયેલા છે. પ્રજા પરેશાન છે આ સંજોગોમાં મોરબી નગરપાલિકામાં ભાજપના સદસ્યોએ છેલ્લા બે વર્ષમાં કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર કરનાર લોકોની સામે કડકમાં કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

- text

વધુમાં મોરબી નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટ ખરીદીમાં બેફામ ભ્રષ્ટાચાર થયેલો છે જે જનરલ બોર્ડમાં પણ ચર્ચામાં આવેલો તેવી જ રીતે મોરબી શહેરમાં પ્રજાની માંગણી વગર ફોલ્ડીંગ સ્પીડ બ્રેકર નાખવામાં આવેલા જે ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર આજ મોરબી શહેરના એક પણ રોડ ઉપર દેખાતા નથી ત્યારે આ સ્પીડબ્રેકર કયા વિસ્તારમાં નખાયેલા અને તેનું બિલ ચૂકવાયું છે તેમાં કેટલા ટકાનું કમિશન લેવામાં આવેલ છે તેની તપાસ કરવામાં આવે તેવી જ રીતે મોરબી શહેરમાં જે નવા રોડ રસ્તાઓ બનાવવામાં આવેલા તે રોડ રસ્તાઓના કામ નબળી ગુણવત્તાના થયેલા અને સમય પહેલા તૂટી ગયેલ છે તો તેમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે અને નબળા રોડ રસ્તાઓ બનાવનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મુકવામાં આવે તેવી માંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ઉઠાવી છે.

વધુમાં મોરબી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ભાજપના સદસ્ય દ્વારા ભરતી થયેલ રોજમદાર કર્મચારીની તપાસ કરવામાં આવે કે તેઓ ખાલી હાજરી પુરવા જ આવે છે અને પ્રજાના પેસાનો ખોટો પગાર મેળવે છે .ઘણા કર્મચારીના તો બોગસ બેંક ખાતા ખોલાવી પગાર બરોબર લઈ લેવામાં આવતો હોવાનો આરોપ પણ લગાવ્યો છે. મોરબી નગરપાલિકાના પ્રમુખે પોતાને મળેલી સત્તાના ભાગરૂપે 45 ડી મુજબ કરેલા ખર્ચની રકમ જનરલ બોર્ડમાં મંજૂર નથી થયેલ જેથી તેમની પાસેથી તાત્કાલિક વસુલાત કરીએ પૈસાની પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસ પક્ષના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબીયા તેમજ માલધારી સેલના રમેશભાઈ રબારી, કે.ડી બાવરવા તેમજ એલ.એમ.કંજારિયાએ અંતમાં ઉઠાવી હતી.

- text