બાળકોની શિષ્યવૃતિ હજમ કરી જતા શિક્ષકો ! વાંકાનેર તાલુકામાં જબરું કૌભાંડ 

- text


વર્ષ 2017થી 2021 દરમિયાન શિક્ષણ શાખામાં પ્રવાસી શિક્ષકોની ગ્રાન્ટ સહિતના 80 લાખના ભ્રષ્ટાચારનું ભૂત ધુણ્યું : ગાંધીનગરથી ફોજદારીના આદેશ છૂટ્યા : સ્થાનિક કક્ષાએ તપાસમાં ઢીલ 

મોરબી : દલા તરવાડીની જાણીતી વાર્તા વાડી રે વાડી લવ રીંગણાં બે ચાર…..ના…. ના… લ્યોને દસ બાર ને પણ ટક્કર મારે તેવું જબરું નાણાકીય કૌભાંડ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં આચરવામાં આવતા મામલો છેક ગાંધીનગર કમિશનર પ્રાથમિક શિક્ષણ વિભાગ સુધી પહોંચતા અંદાજે 80 લાખ રૂપિયાના શિક્ષયવૃત્તિ, પ્રવાસી શિક્ષકોની ગ્રાન્ટ સહિતના મુદ્દે ફોજદારી ફરિયાદ નોંધાવવા આદેશ છૂટ્યા હોવાનું સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે. જો કે સમગ્ર મામલે મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ હાલ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

મોરબી જિલ્લાના શિક્ષકોમાં ચર્ચાનો વિષય બનેલા વાંકાનેર તાલુકાના શિક્ષણ વિભાગની પોલમપોલ છતી કરતા આ કૌભાંડ અંગે અત્યંત સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં તમામ તાલુકાઓમાં હિસાબી સહિતની કામગીરી તાલુકા, જિલ્લા પંચાયતના કર્મચારીઓને બદલે શિક્ષકો દ્વારા જ કરવામાં આવતી હોય હાથમાં એના મોઢામાં ઉક્તિ મુજબ વાંકાનેર તાલુકામાં વર્ષ 2017થી 2021 દરમિયાન બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવતા અંતે પાપનો ઘડો ફૂટ્યો હતો અને ઓડિટમાં સમગ્ર કાલા કરતૂતો બહાર આવતા હાલમાં એક શિક્ષક, એક સીઆરસી, શિક્ષકના પત્ની અને ત્રણ ડમી નામના લોકો આરોપીના પિંજરામાં આવી ગયા છે અને આ કૌભાંડીઓ સામે પગલાં ભરવા ગાંધીનગરથી આદેશો પણ છૂટી ગયા હોવાનું બહાર આવ્યું છે.

વધુમાં શિક્ષણ જગતને કલંકિત કરવાની આ ઘટનામાં તપાસ સમિતિ દ્વારા તપાસ કાર્ય બાદ પરમાર અરવિંદભાઈ નામના શિક્ષક, તત્કાલીન બીઆરસી અને હાલ સીઆરસી તરીકે ફરજ બજાવતા અબ્દુલભાઇ શેરસીયા, શિક્ષક અરવિંદ પરમારના પત્ની બેલાબેન પરમાર, ડમી નામે બેંકમાં પૈસા જમા થયેલ તેવા વ્યક્તિ તરીકે બાદી અલ્ફાઝ, બાદી તૌફીક હુસેન અને શેરસીયા મહંમદ હુસેન વિરુદ્ધ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ધગધગતો અહેવાલ હાલમાં ગાંધીનગર શિક્ષણ કમિશનરને મોકલવામાં આવ્યો હોવાનું અને શિક્ષણ કમિશનર દ્વારા આ કૌભાંડિયો સામે ફોજદારી નોંધાવવા આદેશ પણ કરવામાં આવ્યો હોવા છતાં મોરબી જિલ્લા પંચાયતના સત્તાધીશો દ્વારા પગલાં ભરવામાં જાણી જોઈને ઢીલ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ જગતને બદનામ કરનાર આ શિક્ષણ વિદો દ્વારા વર્ષ 2017થી 21 દરમિયાન ગરીબ બાળકોના હિસ્સાની શિષ્યવૃતિ ડમી નામે જમા કરવી પ્રવાસી શિક્ષકોની ગ્રાન્ટ હજમ કરી જવી સહિતના અનેક કારનામા આચરવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, બીજી તરફ આ મામલે મોરબી જિલ્લા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા હાલમાં તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

- text