પ્લાસ્ટિકના પાઉડરના બદલે મોરબીના ઉદ્યોગપતિને રૂ.10 લાખનું બટન 

- text


રાજકોટના હરિ ઇન્ડસ્ટ્રીઝના પરાગ ભંડેરીએ વિશ્વાસ કેળવી ટેક્સા પ્લાસ્ટવુડના ભાગીદાર પાસેથી એડવાન્સ પેમેંન્ટ લઈ માલ પણ ન આપ્યો અને ના પણ પરત ન કરતા ફરિયાદ 

મોરબી : મોરબી તાલુકાના બગથળાથી માણેકવાડા જવાના રસ્તે આવેલ ટેક્સા પ્લાસ્ટવુડ નામની પ્લાસ્ટિકની શીટ બનાવતા કારખાનાના ભાગીદારને રાજકોટના હરિ ઇન્ડસ્ટ્રીઝના પરાગ ભંડેરીએ વિશ્વાસ કેળવી પ્લાસ્ટિકના પાઉડરનો ઓર્ડર લઈ બાદમાં માલ ન મોકલી રૂપિયા 10,38,400ની છેતરપિંડી કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બગથળાથી માણેકવાડા જવાના રસ્તે આવેલ ટેક્સા પ્લાસ્ટવુડ નામની ફેકટરીના ભાગીદાર ગૌરવભાઇ ગોપાલભાઇ ઠોરીયા, રહે-હાલ બગથળા આર.ડી.સી.બેન્ક વાળી શેરી વાળા પ્લાસ્ટિકની શીટ બનાવતા હોવાથી તેઓએ

રાજકોટ લોધીકા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ શ્રી હરી એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલક એવા આરોપી પરાગકુમાર માધાભાઇ ભંડેરી પાસેથી પ્લાસ્ટિકનો પાઉડર મંગાવી એડવાન્સ પેમેન્ટ રૂપે રૂપિયા 10,38,400 આપ્યા હતા પરંતુ લાંબો સમય વીતવા છતાં આરોપી પરાગકુમાર માધાભાઇ ભંડેરીએ કોઈના કોઈ બહાના બતાવી પ્લાસ્ટિકનો પાઉડર ન મોકલતા ગૌરવભાઈએ પૈસા પરત કરવા કહ્યું હતું.

- text

જો કે, આજ કાલમાં માલ મોકલવાની વાતો કરનાર આરોપી પરાગે પ્લાસ્ટિકનો પાવડર કે નાણાં બે માંથી એકેય વાત ન સ્વીકારતા અંતે ટેક્સા પ્લાસ્ટવુડ નામની ફેકટરીના ભાગીદાર ગૌરવભાઇ ગોપાલભાઇ ઠોરીયાએ આરોપી પરાગકુમાર માધાભાઇ ભંડેરી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 406, 420 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text