મિતાણા નજીક વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો : રૂ.45 લાખનો મુદ્દામાલ જપ્ત

- text


મોરબી એલસીબી ટીમે વોચ ગોઠવી રાજસ્થાની ટ્રક ચાલકને ઝડપી લીધો : દારૂ મંગાવનારની શોધખોળ

ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા નજીક મોરબી એલસીબી ટીમે વોચ ગોઠવી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલ ટ્રકને ઝડપી લઈ રૂપિયા 45 લાખથી વધુના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને દબોચી લઈ દારૂ મંગાવનાર અને મોકલનારની શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે આજે ટંકારા તાલુકાના મિતાણા નજીકથી દારૂ ભરેલ ટ્રક પસાર થવાનો હોવાની બાતમીને આધારે રાધે પાન એન્ડ ટી સ્ટોલ નામની હોટલ પાસે વોચ ગોઠવી જીજે – 24 – V – 8975 નંબરના ટાટા ટ્રકને ઝડપી લઈ ચેક કરતા ટ્રકમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 7080 બોટલ કિંમત રૂપિયા 13,45,200, રોયલ સ્ટેગ બ્રાન્ડ દારૂની 2100 બોટલ કિંમત રૂપિયા 8, 40,000, ઓલ સિઝન ગોલ્ડન વ્હીસ્કી બોટલ નંગ 2280 કિંમત રૂપિયા 13, 68,000, ટાટા ટ્રક કિંમત રૂપિયા 10 લાખ, એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 તેમજ રોકડા રૂપિયા 14,200 સહિત કુલ રૂપિયા 45, 72,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

મોરબી એલસીબી ટીમે રૂપિયા 45,72,400નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલક બુધારામ કાનારામજી બાબલે બીશ્નોઈ રહે. બાલાજી નગર, જોધપુર, રાજસ્થાન વાળાને અટકાયતમાં લીધો છે ઉપરાંત સચૌર રાજસ્થાનના સુરેશ નામના શખ્સ તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર આરોપીઓને ફરાર દર્શાવી તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

આ સફળ કામગીરી મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એ.એસ.આઈ.રામભાઈ મંઢ, હેડ કોન્સ્ટેબલ નિરવભાઈ મકવાણા, પોલીસ કોન્સ્ટેબલ ભગિરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભી સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text