માટીકલાથી ફોર્બ્સ મેગેઝીનના પન્નને ચમકતા મનસુખભાઇ પ્રજાપતિ

- text


એક બે નહીં 721 પ્રકારના માટીના વાસણો બનાવી ફેમસ થયા મનસુખભાઇ

ગધેડા ઉપર માટી લાવી તાવડી બનાવવાથી કુંભારીકામની શરૂઆત કરનાર મનસુખભાઈએ ફ્રીઝ, કુકર, વોટર બોટલ સહિતની આઇટમો બનાવી ભારતીય માટીની ખુશ્બુ દેશવિદેશમાં પ્રસરાવી

વાંકાનેર : ખુશ્બુ ગુજરાત કી…… બૉલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાત કી જાહેર ખબરને વાંકાનેરના મનસુખભાઇ પ્રજાપતિ ખરાઅર્થમાં સાર્થક કરી રહ્યા છે, કુંભારીકામના વ્યવસાયને નવી પેઢીએ અલવિદા કર્યું હોય તેવી સ્થિતિ વચ્ચે વાંકાનેરના મનસુખભાઈએ પરંપરાગત વ્યવસાયને આધુનિક વાઘા પહેરાવી કરોડો રૂપિયાની કમાણી કરવાની સાથે અનેક લોકોને રોજગારી આપી માટીના ફ્રીઝ, કુકર, વોટર બોટલ સહિતની વિવિધ 721 પ્રકારની અવનવી આઇટમો બનાવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનમાં છવાઈ ગયા છે.

મોરબી જિલ્લાના નાના એવા વાંકાનેર શહેરમાં રહેતા મનસુખભાઇ પ્રજાપતિએ પોતાને વારસામાં મળેલ પરંપરાગત માટીકામનો વ્યવસાય શોખથી સંભાળી અવનવા પ્રયોગો કરી દેશ જ નહીં બલ્કે વિદેશમાં પણ નામના મેળવી છે, ગધેડા ઉપર માટી લાદી પોતાના માતા-પિતાને મદદરૂપ થવાની સાથે માટીકામ કરવાની શરૂઆત કર્યા બાદ મનસુખભાઇ પ્રજાપતિએ તાવડી બનાવવાથી માટીકામમાં કસબ અજમાવ્યો અને બાદમાં પોતાની કોઠાસૂઝથી આજના આધુનિક યુગમાં મળતા નોનસ્ટિક વાસણોને પણ ટક્કર મારે તેવા બોટલ, પોટ, ડિનર સેટ, કપ-રકાબી, હાંડી, પાટિયો, કુકર અને ફ્રીઝ સહિતના એક, બે, પાંચ કે દસ નહીં પણ 721 પ્રકારની પ્રોડક્ટ બનાવી અનેક મહિલાઓને રોજગારી આપી રહ્યા છે.

એક સમયે ગ્રામ્યકક્ષાએ ગધેડા ઉપર ખાસ પ્રકારની માટી લાવ્યા બાદ આ માટીના પિંડા બનાવી ચાક ઉપર માટીના જુદાજુદા પ્રકારના વાસણો પીવાના પાણી માટેના ગોળા, માટલા, કુંડા, ગરબા અને કોડિયા કે ખોરાક બનાવવા માટેના વિવિધ સાધનો બનાવી અને નિંભાડામાં આ વાસણો પકાવીને કુંભાર જ્ઞાતિના લોકો રોજગારી મેળવતા હતા પરંતુ સમય જતા આ વ્યવસાયમાં રસકસ કે આર્થિક ઉપાર્જન ઘટતા કુંભાર અથવા પ્રજાપતિ જ્ઞાતિના નવયુવાનોએ આ વ્યવસાયને તિલાંજલિ આપી અન્ય વ્યવસાય અપનાવ્યો છે, પરંતુ અનોખી માટીના બનેલા મનસુખભાઈએ વારસામાં મળેલા આ વ્યવસાયને આધુનિકતાના વાઘા પહેરાવીને પોતાની સાથે અનેક લોકોને રોજગારી આપવાની સાથે આ વ્યવસાય છોડી જનારા અનેક યુવાનોને પણ પરંપરાગત વ્યવસાય સાથે જોડવામાં આજે સફળતા હાંસલ કરી લોકશાહીના સર્વોચ્ચ સ્થાને બિરાજતા વડાપ્રધાનને પણ પોતાની આ કલા થકી આકર્ષિત કર્યા છે.

- text

- text