દિવ્યાંગ બહેનોને ટંકારા BRC ભવન ખાતે સિલાઈ મશીન વિતરણ કરાયા

- text


ટંકારા : ટંકારા બી.આર.સી. ભવન ખાતે અંધજન મંડળ અમદાવાદ દ્વારા આરસીએમ અને સમસારા કંપનીના આર્થિક સહયોગથી ટંકારા તાલુકાના ગામડાની 15 દિવ્યાંગ બહેનો માટે 12 દિવસ સિલાઈ કામની તાલીમ અપાયા બાદ તમામ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અંધજન મંડળના વીણાબેન દ્વારા 12 દિવસ સુધી તમામ દિવ્યાંગ બહેનોને જુદા જુદા પ્રકારની સિલાઈકામ તથા મશીનનો સંપૂર્ણ ઉપયોગ અને તેના થકી સ્વરોજગારીની સુંદર રીતે તાલીમ આપવામાં આવી હતી. તમામ બહેનોને સંપૂર્ણ માહિતી સ્પેશિયલ એજ્યુકેટર પન્નાબેન રાઠોડ દ્વારા આપવામાં આવી હતી. તાલીમ દરમ્યાન તમામ તાલીમાર્થીઓને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થતાં તમામ તાલીમાર્થી બહેનોને ઉષા કંપનીના ઇલેક્ટ્રિક મોટર સાથેના સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ટંકારા તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, અંધજન મંડળના સેક્રેટરી ડો. ભૂષણ પૂનાની, વાઇસ સેક્રેટરી ભરતભાઇ, સમસરા ગ્રુપના હેડ મુકેશભાઈ ઓઝા, ટંકારા તા.પ્રા.શિક્ષક સંઘના મહામંત્રી વિરમભાઈ દેસાઈ, રાજ્ય પ્રતિનિધિ ચુનીલાલ ઢેઢી, મગનલાલ ઉજરીયા, સ્પે.એજ્યુકેટર પન્નાબેન રાઠોડ હાજર રહ્યા હતા.

નોંધનીય છે કે, સિલાઈ મશીન મળવાથી દિવ્યાંગ બહેનોએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ મશીનથી અમે અમારા ગામમાં સ્વરોજગાર રૂપે સિલાઈ કામ કરીશું તથા અન્ય બહેનોને સિલાઈ અંગેની તાલીમ આપીશું અને આમ આર્થિક જરૂરિયાત પૂર્ણ થવાથી સારી રીતે સુખી જીવન સાથે અમારા પરિવારને મદદરૂપ થઇ શકીશું. ખરેખર ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ થયાની અનુભૂતિ સ્પષ્ટ થતું જણાયું. અંતમાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર દ્વારા અંધજન મંડળ તેમજ સમસરા ગ્રુપનો આભાર વ્યક્ત કરીને તેમના દ્વારા કરવામાં આવી રહેલી સ્ત્રી સશક્તિકરણ માટેની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

- text

- text