ચરાડવા નજીક ટ્રાવેલ્સને આંતરી લુખ્ખાઓનો હુમલો : દસ ઈજાગ્રસ્ત

- text


મોરબીના પીપળી ગામનો પરિવાર અમદાવાદથી મામેરું ભરી પરત આવી રહ્યો ત્યારે ચરાડવા નજીક ચાની હોટલે ગાળો બોલતા યુવાનોને ટપરતા પીછો કરી હુમલો કરાયો

હળવદ : ગઈકાલે શનિવારની મોડી રાત્રે મોરબીના પીપળી ગામનો ડાભી પરિવાર અમદાવાદથી મામેરુ ભરી પરિવારજનો સાથે પરત ટ્રાવેલ્સમાં આવી રહ્યો હતો ત્યારે ચરાડવા નજીક ચા-પાણી પીવા ટ્રાવેલ્સ બસ રોકતા ચરાડવા ગામના અમુક શખ્સો ગાળો બોલતા હોય જેથી તેઓને ગાળો બોલાવની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ અન્ય લોકો સાથે મળી ટ્રાવેલ્સનો પીછો કરી પથ્થર મારો કરી હુમલો કર્યો હતો. આ ઘટનામાં કુલ 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઈ હુમલો કરનાર અમુક શખ્સોને દબોચી લેવાયા છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા ડાભી પરિવારના 70 જેટલા લોકો અમદાવાદ મામેરાના પ્રસંગમાં ગયા હતા અને મામેરુ ભર્યા બાદ પીપળી પરત આવી રહ્યા હતા ત્યારે શનિવારની રાતના સાડા બાર વાગ્યાની આસપાસ હળવદના ચરાડવા નજીક ટ્રાવેલ્સ રોકી ચા-પાણી પીવા ઉતર્યા હતા. આ વેળાએ ચરાડવા ગામના બે યુવાનો હોટલ પાસે ગાળો બોલતા હોય જેથી ટ્રાવેલ્સમાં મહિલાઓ પણ હોય ગાળો ન બોલવા કહ્યું હતું. આથી આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરવા લાગ્યા હતા. જો કે બાદમાં ડાભી પરિવાર ત્યાંથી ટ્રાવેલ્સ લઈ પીપળી તરફ જવા રવાના થઈ ગયો હતો.

દરમિયાન ચરાડવાથી એકાદ કિલોમીટર મોરબી રોડ પર આવેલ કેટી મીલ નજીક ટ્રાવેલ્સ બસ પહોંચતા બે કાર અને ચાર જેટલા બાઈકમાં આવેલા શખ્સોએ ટ્રાવેલ્સ બસને રોડ ઉપર આંતરી પથ્થરો અને લોખંડના કટકાથી હુમલો કર્યો હતો.

આ હિંચકારા હુમલામાં ટ્રાવેલ્સ બસના કાચ ફૂટ્યા હતા તેની સાથે સાથે ટ્રાવેલ્સમાં સવાર રણછોડભાઈ સતાભાઈ ડાભી રહે પીપળી. તા.મોરબી, ગેલાભાઈ મુમાભાઈ ડાભી, નવઘણભાઈ દેવાભાઈ ડાભી, કંકુબેન કરણભાઈ ગમારા રહે વાવડી, હીરાભાઈ ગોવિંદભાઈ ડાભી, ભાણજીભાઈ વરવાભાઈ ડાભી, અરજણભાઈ વાસાભાઈ બાંભા અને નાથાભાઈ સતાભાઈ ડાભીને ઈજાઓ પહોંચતા હળવદ અને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

- text

બીજી તરફ ટ્રાવેલ્સમાં સવાર ડાભી પરિવારના લોકોએ જણાવ્યું હતું કે ટોળાના હાથમાં છરી, ધારીયા અને પથ્થરો સાથે મરચાની ભૂકી પણ હતી અને લુખ્ખા તત્વોનો લૂંટ કરવાનો પણ ઈરાદો હતો તેની સાથે સાથે ટ્રાવેલ્સ બસને પણ સળગાવી દેવાનો પ્રયત્ન કરતા હતા. જોકે આંદરણા ગામથી માલધારી સમાજના યુવાનો ઘટના સ્થળે આવી જતા અમે બચી ગયા હતા. સાથે જ બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ હુમલો કરનારા અમુક શખ્સને ઝડપી લીધા હતા. આ બનાવમાં સામા પક્ષે સદામ ગુલ મોહમ્મદ ભટી રહે. ચરાડવા અને ઇમરાનભાઈ ગગાભાઈ જામ રહે.ચરાડવાને પણ ઈજાઓ પહોંચી હોય સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.હાલ હળવદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- text