તકલીફ તો રહેવાની જ ! ડમ્પરમાંથી ધૂળ, પથ્થરના ઢગલા

- text


મોરબીની જેમ જ વાંકાનેર પંથકમાં પણ માતેલા સાંઢ જેવા ડમ્પરનો ત્રાસ, વિડીયો વાયરલ

વાંકાનેર : મોરબી જિલ્લામાં માટી, પથ્થર, રેતીની ખનીજચોરી કરતા ડમ્પર ચાલકોને નિયમ પાલન કરવવામાં પોલીસ અને આરટીઓ તંત્ર ઉણું ઉતરતા ડમ્પર ચાલકો બેફામ બન્યા છે ત્યારે મોરબી બાદ હવે વાંકાનેર પંથકમાં પણ તાલપત્રી ઢાંક્યા વગર માટી – કંકર ભરીને હાઇવે ઉપર અન્ય વાહનો માટે સાક્ષાત યમરાજ બનીને નીકળેલા ડમ્પર ચાલકનો વિડીયો વાયરલ થયો છે જે કાયદો વ્યવસ્થાના ચીંથરા ઉડાવી રહ્યો છે.

મોરબી જિલ્લામાં અંદાજે 1000 જેટલા કાળમુખા ડમ્પર લોકો માટે સતત જીવનું જોખમ બની યમદૂત બનીને રેતી, માટી, પથ્થર સહિતના ખનિજનું વહન કરવા રાત – દિવસ બેફામ સ્પીડે હાઇવે અને આંતરિક માર્ગો ઉપર દોડી રહ્યા છે. આ ડમ્પર ચાલકો ખનીજ ચોરી કરે કે ઓવરલોડ ચાલે તેમાં પોલીસ કે આરટીઓની જેમ પ્રજાને જરા પણ વાંધો નથી. પરંતુ મોટાભાગના ડમ્પર નિયમ મુજબ ટ્રક, ડમ્પર આઈવાના ઠાઠાના ભાગમાં તાલપત્રી ઢાંકવાનું મુનાસીબ ન માનતા હોય આવા ડમ્પરની પાછળ ચાલતા બાઈક કે કાર ચાલક માટે જીવનું જોખમ સર્જી રહયા છે

- text

ઉલ્લેખનીય છે કે, મોરબીના હાઇવે ઉપર મહિનામાં સરેરાશ ડઝન જેટલા હિટ એન્ડ રનના બનાવો બને છે તેમાં પણ આ ડમ્પર ચાલકોનો સિંહ ફાળો રહ્યો છે, ઉપર જતા આવા ડમ્પર ચાલકો આરટીઓની ઉઘરાણા બ્રાન્ચને તગડો હપ્તો આપી આગળ અને પાછળની નંબર પ્લેટ લગાવવામાંથી પણ બિનકાયદેસર રીતે પીળો પરવાનો મેળવી લીધો હોવાથી અનેક અકસ્માતોના કિસ્સામાં આવા ડમ્પર ચાલકો શોધ્યા પણ મળતા નથી.

દરમિયાન આજે વાંકાનેર પંથકમાં આવો જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં નેશનલ હાઇવે ઉપર યમદૂત બનીને બંબાટ દોડી રહેલા ડમ્પર પાછળ ધૂળ અને પથ્થરના ઢગલા થતા જોવા મળી રહ્યા છે. આ સંજોગોમાં તંત્ર હવે કડક હાથે કામ કરે તેમજ આરટીઓમા હપ્તા ઉઘરાવાતા ઉઘરાણી બ્રાન્ચના સાહેબો કમસેકમ ડમ્પર ચાલકોને બન્ને તરફ નંબર પ્લેટ ન લગાવવાની આપેલી મંજૂરી પાછી ખેંચી ઠાઠા ઉપર ફરજિયાત તાલપત્રીના નિયમની અમલવારી કરાવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.

- text