મોરારીબાપૂની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિ.ના પત્રકારત્વ ભવનનો સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાશે

- text


એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનને 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોય રાજકોટ ખાતે 26 ફેબ્રુઆરીના રોજ આયોજન

મોરબીઃ ગુજરાતના સૌ પ્રથમ પત્રકારત્વ ભવન એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનને 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે પૂ.મોરારીબાપુના આર્શીવચન સાથે પત્રકારત્વ ભવનનો સુવર્ણજયંતી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ 26મી ફેબ્રુઆરી ને રવિવારે બપોરે 3.30 કલાકે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ સભાખંડ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે યોજાશે.

એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન સુવર્ણજયંતૂ મહોત્સવ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે કુંદનભાઇ વ્યાસ (સીઇઓ તંત્રી-જન્મભૂમિ જૂથ), વિશેષ વકતા તરીકે રાજુલ દવે (વરિષ્ઠ પત્રકાર અને લેખક), અતિથિ વિશેષ તરીકે અમૃતલાલ શેઠના સ્વજન પૂર્ણાબેન જતીનભાઈ શેઠ, અધ્યક્ષ સ્થાને ડો. ગિરીશ ભીમાણી (કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) સહિતના પત્રકારત્વ જગતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.સુવર્ણજયંતી મહોત્સવ કાર્યક્રમ શૃંખલા હેઠળ ઝવેરચંદ મેઘાણીનું પત્રકારત્વ અને લોકસાહિત્ય, ભવનના ભૂતપૂર્વ વિધાર્થીઓનું સ્નેહમિલન, ત્રણ દિવસની ફિલ્મ મેકીંગની વર્કશોપ જેવા કાર્યક્રમો યોજાઇ ગયા છે.

ગુજરાતના આ પ્રથમ પત્રકારત્વ ભવનની શરુઆત 1971માં ફૂલછાબ દૈનિકના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા જન્મભૂમિ જૂથના સ્થાપક અને વરિષ્ઠ પત્રકાર અમૃતલાલ શેઠની સ્મૃતિને સજીવન રાખવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પત્રકારત્વનો અભ્યાસક્રમ શરુ કરવા માટે રુ. 1 લાખનું અનુદાન આપવામાં આવ્યું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એ.ડી.શેઠના નામનું પત્રકારત્વ ભવન વર્ષ 1973માં શરુ કરીને 10 બેઠક સાથે પત્રકારત્વનો ડીપ્લોમા અભ્યાસક્રમ શરુ કર્યો. ગુજરાતમાં પત્રકારત્વ શરુ કરનારી આ પ્રથમ યુનિવર્સિટી હતી અને કોઇ માધ્યમના અનુદાનથી પત્રકારત્વનો અભ્યાસ શરુ થયો હોય એવો આ એકમાત્ર કિસ્સો હતો. ભવનમાં પત્રકારત્વના ડિપ્લોમા પછી બેચલર, પી.જી.ડિપ્લોમા, માસ્ટર, એમ.ફિલ. અને પીએચ.ડી.ના અભ્યાસક્રમો પણ શરુ થયા જેમાંથી હવે પી.જી.ડી.એમ.સી., એમ.જે.એમ.સી. અને પીએચ.ડી.ના અભ્યાસક્રમો ચાલુ છે. અત્યાર સુધીમાં ભવનમાંથી 2000 જેટલા પત્રકારોએ પદવી અને 17 જેટલા સંશોધકોએ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. એમ.જે.એમ.સીમાં પ્રથમ આવનાર વિધાર્થીને વિક્રમકિશોર બૂચ પારિતોષિક તથા સ્વ. વેલજીભાઇ ગણાત્રા સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે. દર વર્ષે વિવિધ માધ્યમોની મુલાકાત તથા શૈક્ષણિક પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે.

એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરનાર વિધાર્થીઓ અત્યારે અખબારો અને સામયિકોમાં તંત્રી, ન્યુઝ એડિટર્સ, રિપોર્ટર્સ, ફોટોગ્રાફર્સ, કટારલેખકના હોદ્દાઓ ઉપર તથા ગુજરાતી ટી.વી. ચેનલના ઓપરેશનલ હેડ, ઇનપુટ હેડ, આઉટપુટ હેડ, એન્કર, રિપોર્ટર, પ્રોગ્રામ પ્રોડયુસર, વીડિયો એડિટર, કોપી એડિટર અને રેડિયોમાં આર.જે., કાર્યક્રમ ઉદધોષક, ડયુટી ઓફિસર તેમજ વેબ ચેનલ- પોર્ટલ કન્ટેન્ટ રાઇટર, કન્ટેન્ટ એડિટર, અખબારની વેબ-એડિશનના એડિટર પદે કાર્યરત છે.

ભવનની વિશેષતાઓ
– આધુનિક સ્ટુડિયો અને એડીટીંગ રુમ
– મિની થીયેટર
– સમૃધ્ધ લાયબ્રેરી અને ટીવી સાથેનો ન્યુઝ રુમ
– કોમ્પ્યુટર લેબ
– દર અઠવાડિયે વિવિધ માધ્યમો નિષ્ણાતોના વિશેષ વ્યાખ્યાન
– પ્રતિવર્ષ વિધાર્થીઓ દ્વારા ભવનના સામયિક લક્ષ્યવેધનું પ્રકાશન
– પ્રતિવર્ષ વિધાર્થીઓ દ્વારા શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ અને એડ ફિલ્મોનું નિર્માણ
– વિવિધ માધ્યમોમાં પ્રાયોગિક તાલીમ

- text

ભવનના વિધાર્થીઓ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો
– કેશલેસ વ્યવહાર( આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ આજુબાજુના ગામમાં જઇને પીપીટી અને ફિલ્મનું નિદર્શન કરીને જાગૃતિ ફેલાવાઇ)
– સ્વચ્છતા અભિયાન
– મતદાન જાગૃતિ
– વૃક્ષારોપણ
– વ્યસનમુક્તિ
– આરોગ્યવિષયક જાગૃતતા

વિધાર્થીઓ માટે યોજાય છે નિષ્ણાતોના સેમિનાર અને વર્કશોપ
– ગ્રામીણ પત્રકારત્વ દશા અને દિશા
– ફિલ્મ એપ્રિશિયેશન વર્કશોપ
– ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન એન્ડ રોલ ઓફ મીડિયા
– ગુજરાતી ફિલ્મની દશા અને દિશા
– ટેલીવિઝન જર્નાલિઝમ
– સાયન્સ કોમ્યુનિકેશન
– શોર્ટ ફિલ્મ મેકિંગ
– એડ ફિલ્મ મેકિંગ
– ડિજિટલ ફિલ્મ મેકિંગ
– મુદ્રણ માધ્યમોની આજ અને આવતીકાલ
– જર્નાલિઝમ બાય જયમલ્લ પરમાર
– મીડિયા એન્ડ ડેવલપમેન્ટ
– પ્રત્યાયન અને લોકમાધ્યમો
– ફિલ્મ મેકિંગ અને ફિલ્મ એપ્રિશિયેશન
– સ્ક્રિપ્ટ રાઇટીંગ
– ઝવેરચંદ મેઘાણીનું પત્રકારત્વ અને લોક સાહિત્ય વગેરે…….

ભવનમાં પધારેલા વિષય નિષ્ણાતો
– પદ્મશ્રી સ્વ. નગીનદાસ સંઘવી(પ્રખર રાજકીય વિશ્ર્લેષક)
– પદ્મશ્રી વિષ્ણુ પંડયા (પ્રખર લેખક અને વિચારક)
– સ્વ. આશિષ કક્કડ (ગુજરાતી ફિલ્મ સર્જક)
– સલીલ દલાલ (પ્રસિધ્ધ ગુજરાતી કટાર લેખક)
– પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ (પ્રસિધ્ધ પત્રકાર)
– સ્વ. ઉપેન્દ્ર ત્રિવેદી (પ્રસિધ્ધ ગુજરાતી અભિનેતા)
– અમૃત ગંગર (પ્રસિધ્ધ સિનેમા વિવેચક)
– રામજી વાણીયા (પ્રસિધ્ધ ગુજરાતી ફિલ્મ સર્જક)
– રોહિણી હતંગડી (પ્રસિધ્ધ હિન્દી અભિનેત્રી)
– રી.જસ્ટિસ જી.એન.રે (પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન)
– માલતીબેન મહેતા (માધ્યના નિષ્ણાંત)
– સૌરભ શાહ (જાણીતા પત્રકાર – કટાર લેખક)
– સંજય ગઢવી (જાણીતા દિગ્દર્શક)
– ભરત ઘેલાણી (ચિત્રલેખાના ભૂતપૂર્વ તંત્રી)
– સૌમ્ય દત્તા (પ્રસિધ્ધ હવામાન વૈજ્ઞાનિક)
– અભિજિત વ્યાસ (જાણીતા ફિલ્મ વિવેચક)
– આશિષ વશી (ફિલ્મના કથાલેખક અને કટાર લેખક)
– આશુ પટેલ (ફિલ્મના કથાલેખક અને કટાર લેખક)
– નીલેશ દવે (મુંબઈ સમાચારના ભૂતપૂર્વ તંત્રી)
– પરેશ નાયક (આર્ટ ફિલ્મના સર્જક)

ભવનમાં ચાલતા અભ્યાસક્રમો
પી.જી.ડી.એમ.સી. 1 વર્ષ
એમ.જે.એમ.સી. 1 વર્ષ
પીએચ.ડી.

પત્રકારત્વમાં કારકિર્દીની તકો
– અખબાર અને સામયિકોમાં રિપોર્ટર, કટારલેખક, વાર્તાલેખક
– રેડિયોમાં પત્રકાર, ન્યુઝરીડર, કાર્યક્રમ નિર્માતા તરીકે
– ટીવીમાં પત્રકાર ન્યુઝરીડર, કાર્યક્રમ નિર્માતા કે સંચાલક તરીકે
– વેબ પત્રકાર તરીકે
– સિનેમામાં દિગ્દર્શક કલાકાર કે અન્ય વિવિધ વિભાગોમાં
– માહિતીખાતું કે અન્ય સંસ્થામાં પી.આર.ઓ. તરીકે
– વિજ્ઞાનપનક્ષેત્રે

ભવનની સિધ્ધિઓ
– વર્ષ 2014માં ડી.એન.એ. દ્વારા એનાયત થયેલો બી-સ્કૂલ લિડરશીપ એવોર્ડ
– વર્ષ 2022માં લંડનના શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલમાં વિધાર્થીઓ દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્મ ‘ઓફ ટ્રે’નું નોમિનેશન
– વર્ષ 2009માં વિધાર્થીઓએ બનાવેલી ‘ભીખારી બન્યા બિઝનેસમેન’ અને ‘ખારવા સમાજનો ન્યાય’ ડોકયુમેન્ટરીઓને બેંગ્લોર ખાતે ધર્પણ ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ વીડિયોગ્રાફીનો એવોર્ડ અને રુ.5000નું રોકડ પુરસ્કાર મળ્યું હતું.

- text