હવે આપો જવાબ ! ઝૂલતા પુલ મામલે શહેરી વિકાસ વિભાગે નગરપાલિકાને આપ્યો સીટનો રિપોર્ટ 

- text


મોરબી પાલિકાને સુપરસીડ કરવા જનરલ બોર્ડમાં અમારી પાસે કોઈ આધાર -પુરાવા ન હોવાનો જવાબ આપનાર પાલિકાને 50 પાનાનો અહેવાલ સોંપાયો 

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટના કડક વલણ બાદ ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સુપરસીડ કરવા નોટિસ આપી પાલિકાને કેમ સુપર સીડ ન કરવી તેનો જવાબ માંગતા મોરબી પાલિકાના શાસકોએ સાપ પણ ન મરે અને લાકડી પણ ન તૂટે તેવો જવાબ આપી અમારી પાસે કઈ આધાર-પુરાવા ન હોવાનો ગોળગોળ જવાબ શહેરી વિકાસ વિભાગને આપતા શહેરી વિકાસ વિભાગે આજે મોરબી પાલિકાને 50 પાનાનો સીટનો વિસ્તૃત અહેવાલ મોકલી સત્વરે જવાબ આપવા આદેશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાબતે મોરબી નગરપાલિકામાં બોલાવેલ જનરલ બોર્ડ સર્વાનુમતે હાલમાં નગર પાલિકા પાસે ઝૂલતા પુલને લગતું સાહિત્ય ઉપલબ્ધ ન હોય સુપરસીડ કરવા અંગેની નોટિસનો જવાબ રજૂ કરવા સમય માંગ્યો હતો.બીજી તરફ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી ઝૂલતા પૂલ દુર્ઘટના કેસમાં એસઆઈટી દ્વારા કરવામાં આવેલી તપાસનો 50 પેઇજનો રિપોર્ટ મોકલવામાં આવ્યો છે અને પીડીએફ ફાઈલ રૂપે આપેલ રિપોર્ટને આધારે તાત્કાલિક જવાબ રજૂ કરવા પણ સૂચના આપી છે.

- text

દરમિયાન રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવેલા જવાબ કમ રિપોર્ટ બાદ મોરબી પાલિકાના સભ્યોમાં શાંત પડેલો માહોલ ફરી ગરમાયો છે અને સરકારને જવાબ આપવા માટે ટૂંક સમયમાં જ તમામ સભ્યોની બેઠક પણ યોજવામાં આવનાર હોવાના સંદેશા વહેતા થયા છે આ સંજોગોમાં વિભાજીત સભ્યો સરકારને કેવો જવાબ આપે છે તે આવનાર સમય બતાવશે.

- text