મોરબીમાં પાવલી દાદા મેદાને ! પારકા પૈસાનો હવાલો લઈ યુવાનનું અપહરણ

- text


જીજ્ઞેશ કૈલાના ટાઈલ્સના પૈસા બારોબાર મારે લેવાના છે કહી યોગેશ અને રઘાએ અપહરણ કરી માર માર્યો : અપહરણકારની ચુંગાલમાંથી છૂટતા યુવાને ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીમાં વ્યાજખોરો બાદ નાણાંની ઉઘરાણી માટે પાવલી દાદા મેદાને આવ્યા હોય તેવા ઘાટ વચ્ચે જૂની ઉઘરાણીમાં મારે જીજ્ઞેશ કૈલાના ટાઈલ્સના બાકી નીકળતા પૈસા બારોબાર લેવાના છે કહી યોગેશ અને રઘા નામના મોરબીના ઉગતા દાદાએ યુવાનનું બાઇકમાં અપહરણ કરી ફ્લેટમાં ગોંધી રાખી બેફામ માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જો કે, અપહરણ કરનારા બન્ને શખ્સ યુવાનને ગોંધી રાખ્યા બાદ કારમાં લઈ જતા હતા ત્યારે ભોગ બનનાર યુવાન બન્ને અપહરણકારની ચુંગાલમાંથી છટકી ગયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના શનાળા રોડ ઉપર સ્કાયમોલની સામે ભારતનગરમાં રહેતા ચેતનભાઇ કાન્તીલાલ બજાણીયા નામના યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2010માં તેનેં મુંબઈ ખાતે ટાઇલ્સનો શોરૂમ કર્યો હોય મોરબીના જીજ્ઞેશના સંપર્કમાં આવતા ધંધા માટે જીજ્ઞેશ કૈલા પાસેથી રૂપિયા 3.34 લાખ લીધા હતા અને બાદમાં વર્ષ 2012માં ટાઇલ્સનો શોરૂમ બંધ કરી દઈ કટકે કટકે જીજ્ઞેશ કૈલાને રૂપિયા 2.70 લાખ ચૂકવી આપતા હવે 64 હજાર રૂપિયા ચૂકવવાના બાકી છે.

વધુમાં ચેતનભાઇ કાન્તીલાલ બજાણીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા દસેક વર્ષથી બરોડા ખાતે કેમિકલ ફેકટરીમાં નોકરી કરતો હતો અને હવે મોરબીમાં નવો ધંધો શરૂ કરવો હોય પરત મોરબી આવી છેલ્લા બે મહિનાથી મોરબી અને રાજકોટ ખાતે નવા ધંધાના કામે સેટ થયેલ છે દરમિયાન ચેતનના માતા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા જતા પડી જતા મોરબી હોસ્પિટલમાં દાખલ કાર્ય હોય ચેતન રાજકોટથી મોરબી આવતા કંડલા બાયપાસ નજીકથી યોગેશ કાસુન્દ્રા અને રઘો મેરજા નામના બે શખ્સ દ્વારા બાયપાસ ઉપરથી બાઇકમાં અપહરણ કરીને લઈ ગયા હતા.

- text

દરમિયાન ચેતને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે યોગેશ કાસુન્દ્રા અને રઘો મેરજા નામના શખ્સ તેને બાઇકમાં બેસાડી ગત તા.14ના રોજ બપોરે ઉઠાવી ગયા હતા અને ક્રિષ્ના સ્કૂલ સામે આવેલા હરિદર્શન એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર બી-702માં ગોંધી રાખી બન્નેએ કહેલ કે, જીગ્નેશના ધંધાના બાકી નીકળતા રૂપિયા બારોબાર અમારે લેવા છે તુ કેમ આપતો નથી તેમ કહી ઢીકા પાટુ તથા ધોકા વડે માર મારી યોગેશે માથાના ભાગે તેમજ શરીરના ભાગે મુંઢ ઇજા કરી તેમજ ધોકા વડે જમણા હાથની ત્રીજા આંગળીના પોચાના ભાગે ફેકચર કરી હતી જયારે રઘાએ ચેતનને શરીરે તેમજ પગના ભાગે ધોકા વડે માર માર્યો હતો.

બાદમાં બીજા દિવસે સવારે અપહરણ કરી ચેતનને માર મારનાર રઘો તેમજ યોગેશ બાઇકમાં ચેતનને બહાર લઈ ગયા હતા અને રઘો ઇકો સપોર્ટ કાર લાવ્યો હતો જેમાં ફરી ચેતનને બેસાડી શનાળા રોડથી લક્ષ્મીવાસ પીપળીયા ચાર રસ્તા તરફ લઇ ગયા હતા.જ્યાં કોઈ લગ્નનો પ્રસંગ હોય અપહરણકર્તાઓ ત્યાં ઉતરતા જ ચેતન નજર ચૂકવી ત્યાંથી ભાગ્યો હતો અને બનેવીની મદદ લઈ હોસ્પિટલ પહોંચી સારવાર મેળવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ધંધા માટે લીધેલા પૈસાની બારોબાર ઉઘરાણી કરી અપહરણ કરનાર યોગેશ અને રઘા નામના ગઠિયા દાદા વિરુદ્ધ ચેતનભાઇ કાન્તીલાલ બજાણીયાની ફરિયાદને આધારે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૩૪૨, ૩૬૫, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી બન્નેને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text