મોરબી પાંજરાપોળને મકરસંક્રાંતિએ રૂ.61 લાખનું દાન મળ્યું

- text


15થી 20 જેટલી ગૌશાળા માટે ઠેર-ઠેર સ્ટોલ નાખતા લોકોએ દાનની સરવાણી વહાવી

મોરબી : મોરબીમાં દાન પુણ્યનો મહિમા ધરાવતું પર્વ મકરસંક્રાંતિએ લોકોએ ઉદાર હાથે ફાળો નોંધાવતા ગૌશાળા માટે આ પર્વ ફળદાયી નીવડ્યું હતું. શહેરમાં અંદાજીત 15થી 20 જેટલી ગૌશાળામાં નિભાવ કરતી ગાયોના ઘાસચારા માટે ઠેરઠેર સ્ટોલ નાખીને દાન એકત્ર કરવામાં આવ્યું હતું.લોકોએ પણ મન મુકીને દાનની સરવાણી વ્હાવતા ગત ઉતરાયણના દાનનો રેકોર્ડ તૂટ્યો હતો. જેમાં શહેરની સૌથી મોટી ગૌશાળા એટલે પાંજરાપોળમાં ગત ઉતરાયણમાં 55 લાખનું દાન મળ્યું હતું. આ વખતે વધીને રૂપિયા 61 લાખ જેટલું માતબર રકમનું દાન એકત્ર થયું હતું.

મોરબી પાંજરાપોળના પ્રમુખ વેલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે મકરસંક્રાંતિમાં લોકો ગાયો માટે દાન આપવામાં જરાય કચાશ ન રાખતા હોવાથી દર વર્ષે દાનનો રેકોર્ડ તૂટી જાય છે. શહેરમાં પાંજરાપોળ માટે 38 જેટલા સ્ટોલ નાખવામાં આવ્યા હતા. ગયા વખતે 55 લાખ જેટલું દાન મળ્યું હતું. પણ આ વખતે વધીને રૂ.61,08000નું દાન પ્રાપ્ત થયું હતું. આ પાંજરાપોળમાં રહેલા 4500 જેટલા ગૌવંશનો નિભાવ કરવા માટે દરરોજનો આશરે અઢી લાખ જેવો ખર્ચ થાય છે. પણ મોરબીવાસીઓની ઉદારતાને કારણે ક્યારેય ગૌશાળામાં ગાયોના નિભાવમાં કોઈ વાંધો આવતો નથી. આ પાંજરાપોળમાં 1 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે.

- text

દાનપુણ્યના મહિમા ધરાવતા ઉતરાયણમાં સામાન્ય માણસથી માંડીને ઉધોગપતિઓ પણ ગાયો માટે દાન એકત્ર કરવા નીકળી પડ્યા હતા અને દાન એકત્ર કર્યું હતું. જ્યારે માળીયાના ખાખરેચી ગામની ગૌશાળાના ટ્રસ્ટી મનુભાઈ કૈલાએ કહ્યું હતું કે, મોરબી શહેરમાં 14 જેટલા સ્ટોલ 15 ગામડાઓ મળી કુલ 30 સ્ટોલ ગાયો માટે દાન એકત્ર કરવા નાખવામાં આવ્યા હતા. અંદાજીત 20 લાખથી વધુ દાન એકત્ર થયું હતું. તેમની ગૌશાળામાં 600 જેટલા ગૌવંશ માટે આ દાન 50 દિવસ ચાલી શકશે. જ્યારે યદુંનંદન ગૌશાળાના કાનજીભાઈ જારીયાએ જણાવ્યું હતું કે, ઉતરાયણમાં આ ગૌશાળા માટે 7 લાખની રોકડ અને 4 લાખનું સૂકું ઘાસ તેમજ ત્યાં ચાલતા અન્નક્ષેત્ર માટે અનાજ સહિતની વસ્તુઓ મળી 11 લાખનું દાન પ્રાપ્ત થયું હતું. આ ગૌશાળામાં 2 હજાર જેટલા ગૌવંશના નિભાવ માટે દરરોજ દોઢ લાખનો ખર્ચ થાય છે.

- text