માળીયા હાઇવે ઉપર હોટલના પાર્કિંગમાંથી 33.12 લાખનો શરાબ ભરેલો ટ્રક ઝડપાયો

- text


મોરબી એલસીબી ટીમે 43.17લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી લઈ બે આરોપીઓને ફરાર જાહેર કર્યા

મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર એક હોટલના પાર્કિંગમાંથી બાતમીને આધારે એલસીબી ટીમે માટીની આડમાં લઈ જવાતો રૂપિયા 33.12 લાખના જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનના ટ્રક ચાલકને ઝડપી લઈ અન્ય બે શખ્સના નામ ખોલાવી ત્રણ ઈસમો વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે મોરબી – માળીયા હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ નજીક આવેલી બાબા રામદેવ હોટલના ગ્રાઉન્ડમાંથી આરજે – 19 – જીબી – 9405 નંબરના ટ્રકની તલાશી લેતા ટ્રકમાં માટીની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું.

- text

દરોડા દરમિયાન પોલીસે ટ્રકમાંથી ઓલ સિઝન વ્હીસ્કીની 3120 બોટલ કિંમત રૂપિયા 18.72 લાખ, મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 6960 બોટલ કિંમત રૂપિયા 14.40 લાખ મળી કુલ રૂપિયા 33.12 લાખનો વિદેશી શરાબ ઉપરાંત મોબાઈલ ફોન રૂપિયા 5000 તેમજ 10 લાખની કિંમતનો ટ્રક મળી કુલ 43.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

માટીની આડમાં લઈ જવાતા વિદેશી દારૂ મામલે એલસીબી ટીમે ટ્રક ચાલક પુનારામ લાલારામ જાખડ, રહે.સનાવડા જાખડો કી ઢાણી, બાડમેર, રાજસ્થાન વાળાની અટકાયત કરી ટ્રકમાં શરાબ ભરાવી આપનાર ભૂરારામ જાટ અને શરાબનો જથ્થો મંગાવનાર તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text