અફસોસ ! ભૂતકાળ બનેલા ઝૂલતાપુલના કાટમાળને નિહાળતા અનેક લોકો

- text


ઝૂલતા પુલને જીવંત કરવા સામાજિક આગેવાનોની માંગ : હવામાં ઝૂલતો તેમજ સાઈડમાં રાખેલો કાટમાળ બિહામણી પરિસ્થિતિની યાદ તાજી કરાવે છે

મોરબી : 30 ઓક્ટોબરે મોરબીની ઐતિહાસિક વિરાસત ઝૂલતોપુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાની આ ગોઝારી દુર્ઘટનામાં હતભાગી પરિવારોને ક્યારે સાચો ન્યાય મળશે એ બહુ દુરની વાત રહી પણ ઝૂલતાપૂલની ભયાનકતાનો સાક્ષાત્કાર કરાવતી દુર્ઘટનાસ્થળની પરિસ્થિતિ હજુ જેમ ની તેમ જ રહી છે. ઝૂલતાપૂલ તૂટી પડ્યો એનો ઘણો કાટમાળ, સાધનો ત્યાં જ પડ્યા છે અને અમુક ઝૂલતાપૂલનો ભાગ જે નીચે નથી પડ્યો તે હવામાં જ લટકે છે. એટલે દુર્ઘટના બની ત્યારથી માંડીને આજે બે માસ થવા છતાં દુર્ઘટનાસ્થળની પરિસ્થિતિ જરાય બદલી નથી અને બહારથી આવતા લોકો હજુ પણ દુર્ઘટનાગ્રસ્ત ઝૂલતાપુલ જોવા સ્થળ પર જાય છે

જોકે હાલમાં ઝૂલતા પુલના બંને સાઈડમાં પ્રવેશ દ્વાર બંધ કરી દેવાયા છે. પણ હજુ પણ બહારથી આવતા લોકો મોરબીના પાડા પુલ પરથી તૂટી ગયેલા ઝૂલતા પુલને દૂરથી નિહાળે છે. અને અમુક લોકો નદીના પટમાં જઈને નજીકથી દુર્ઘટનાગ્રસ્ત ઝૂલતા પુલને જોવા આવે છે.ઝૂલતાપૂલની પરિસ્થિતિ આજે પણ યથાવત રહેતા ત્યાં મુલાકત લેવા જેનારા લોકોનું હવા લટકતો અને નીચે પડેલો કાટમાળ જોઈને કાળજું કપી ઉઠે છે. દરરોજ 12થી વધારે સ્થાનિક અને બહારના લોકો મુલાકાતે આવે છે. જો કે ઝૂલતાપૂલના બન્ને બાજુએ ગેઇટ બંધ કરી દેવામાં આવ્યા છે. નીચે નદીના સ્થળમાં અને ઉપર થોડે દુર ભયાનકતા નિહાળી શકાય છે. પુલની આ પરિસ્થિતિ અને હવે પછી પુલને નવો બનાવશે કે રિપેરીગ કરશે કે કેમ ? તે અંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, આ બાબત હજુ કોઈ પ્લાનિંગ નથી અને ઉપર સરકાર તરફથી કોઈ આદેશ કે દિશા નિર્દેશ આવ્યા નથી. સરકાર તરફથી કોઈ સૂચના આવશે તો એ પ્રમાણે કાર્યવાહી કરીશું. તેમ તેમણે જણાવ્યું હતું.

સીરામીક ઉધોગના અગ્રણી નિલેશભાઈ જેતપરિયાએ કહું હતું કે, ઝૂલતાપૂલએ મોરબીની ઐતિહાસિક વિરાસત છે. એટલે આ ઐતિહાસિક વિરાસત જળવી રાખવા માટે ઝૂલતાપૂલ ફરીથી ચાલુ કરવો જોઈએ. જો કે હાલના સંજોગોમાં આ શક્ય ન હોય તો મોરબીની શોભામાં અભિવૃદ્ધિ થાય તે માટે પ્રતિકૃતિ બનાવી રિપેરીગ કરીને ફરીથી પુલ ચાલુ કરવો જોઈએ.

મોરબી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઝૂલતાપૂલ મોરબીની આગવી ઓળખ છે. એટલે ફરીથી ઝૂલતાપૂલ બનવો જ જોઈએ. પણ આ વાત હાલ બાજુએ રાખી 135નો ભોગ લેનારી આ દુર્ઘટનામાં જે કોઈ સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા હોય તેને કડક સજા મળવી જોઈએ. એટલે ઝૂલતાપૂલની ન્યાયિક અને તટસ્થ તપાસ બાદ જ બીજી કાર્યવાહી થવી જોઈએ.

- text

જાણીતા ડો. હિતેશ પટેલે જણાવ્યું હતું કે, મોરબીમાં ગોઝારી દુર્ઘટના બની તે દુઃખદ છે. પણ દેશ વિદેશમાં જેની આગવી ઓળખ છે અને જેને જોવા અને રોમાંચ માટે દેશ વિદેશથી લોકો આવે છે. એટલે આ પુલ શરૂ થવો જ જોઈએ નવો બનાવવા માટે કે રિપેરીગ કરવા માટે જુદા જુદા ક્ષેત્રે આર્થિક ક્ષમતા ધરાવતા લોકોનો પણ આર્થિક સહયોગ લેવો જોઈએ અને આવી દુર્ઘટના ફરીથી ન બને તે માટે એનું સંચાલન તંત્ર હસ્તક રહેવું જોઈએ અને 135 મૃતકોના સ્મારક સાથે પુલ બનવો જોઈએ

સામાજિક અગ્રણી સતીશ કાનાબારે જણાવ્યુ હતુ કે, મોરબીના રાજવી પરિવારે ઘણી ઐતિહાસિક વિરાસત ભેટમાં આપી છે જેના કારણે મોરબીને પેરિષ તરીકે ઓળખ.મળી છે. ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત બનેલા રાજવીકાળના નહેરુ ગેઇટ અને મણી મંદિરનું રીનોવેશન કરીને મૂળ સ્વરૂપમાં મુક્યા છે. એવી જ રીતે ઝૂલતાપૂલ અણમોલ નઝરાણા સમાન હોય હવે તૂટી ગયા બાદ લોકોની લાગણી ન દુભાઈ તેને ખાસ ધ્યાન રાખી હરવા ફરવાના આ એકમાત્ર સ્થળને બધાના હિતમાં આ પુલને ફરીથી ચાલુ કરવો જોઈએ.


- text