ચામડાતોડ વ્યાજ ! 14.50 લાખના 32 લાખ વસૂલવા વ્યાજખોરે વિડીયો ઉતારી બળજબરીથી લખાણ કરવી લીધું

- text


મોરબીમાં બાળકોની સ્કૂલની ફી ચૂકવવા 50 હજાર વ્યાજે લીધા અને યુવાન વ્યાજના વમળમાં ફસાયો, એલસીબીએ આરોપીને દબોચ્યો

મોરબી : ગુજરાત સરકારના ગૃહ વિભાગના કડક આદેશને પગલે મોરબીમાં વ્યાજખાઉં વિરુદ્ધ શરૂ થયેલ ઝુંબેશ રૂપી કામગીરીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં મહિને 15 હજારમાં નોકરી કરતા યુવાને બાળકોની સ્કૂલ ફી ભરવા રૂપિયા 50 હજાર વ્યાજે લીધા બાદ વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ જતા 50 હજારની રકમ 14.50 લાખ સુધી પહોંચવાની સાથે વ્યાજખોરે મહિને 54 ટકા જેટલું અધધધ વ્યાજ વસૂલી 20 લાખ જેટલી રકમ વસૂલી સંતોષ નહિ માની કુલ રૂપિયા 32 લાખ ચૂકવવા ધકધમકીઓ આપી બળજબરીથી વિડીયો બનાવી નોટરી સમક્ષ લખાણ કરાવી લેતા મામલો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને એલસીબી ટીમે આ વ્યાજખોરની ઝડપી પાડ્યો છે.

મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર સોસાયટીમાં રહેતા અને ત્રાજપર ચોકડી નજીક નારણજી પેરાજ નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં મહિને 15 હજારમાં નોકરી કરતા મહાવીરભાઈ નરેન્દ્રકુમાર વૈષ્ણવ નામના યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, એકાદ વર્ષ પહેલા તેઓને બાળકોની ફી ભરવા નાણાકીય જરૂરત ઉભી થતા મોરબી ઉમિયા સર્કલ નજીક ઓફીસ ધરાવતા માળીયા તાલુકાના દેવગઢ ગામના જયરાજભાઈ જીવણભાઈ સવસેટા પાસેથી દરરોજ રૂપિયા 600 વ્યાજ ચુકવવાની શરતે રૂ.50000 વ્યાજે લીધા હતા અને દર દસ દિવસે વ્યાજ ચૂકવતા હતા.

- text

બાદમાં ધીમે ધીમે વ્યાજનું ચક્કર વધવા લાગતા મહાવીરભાઈએ અલગ અલગ સમયગાળામા એક લાખથી લઈ છ લાખ સુધીની રકમ મહિને 39 ટકાથી લઈ 54 ટકા વ્યાજે મેળવ્યા હતા અને કુલ મળી 14.50 લાખ વ્યાજે લઈ અત્યાર સુધીમાં 20 લાખથી વધુ વ્યાજ ચૂકવી આપવા છતાં વ્યાજખોરો જયરાજ સવસેટાએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખી રૂપિયા 32 લાખ ચૂકવવા માટે દબાણ કરી વિડીયો ઉતારી લઈ કોરા ચેક પડાવી લેવાની સાથે નોટરી લખાણ પણ કરાવી લઈ જાનથી મારી નાખવા ધમકીઓ આપતા આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે અને એલસીબી ટીમે વ્યાજખોરની ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે.

- text