ગીલીગીલી….છૂ….. મોબાઈલ-ઈન્ટરનેટના આક્રમણ સામે જાદુગરો ગાયબ

- text


દેશમાંથી બાળપણનું આકર્ષણ એવા જાદુના શો દુર્લભ બન્યા ! દેશભરમાં માત્ર 25 જાદુગરો અને ગુજરાતમાં 4થી 5 જાદુગરો રોજીરોટી માટે ઝઝૂમે છે

મોરબી : એક સમય હતો કે જયારે વેકેશન પડે અને તાલુકા, નગરમાં જાદુગરના ડેરા તંબું તાણવામાં આવતા અને મમ્મી-પપ્પા પાસે કજિયો કરીને જાદુના શો નિહાળવાની 1960 પછી જન્મેલી પેઢીએ ખુબ જ મજા માણી હશે…. પરંતુ આજે મોબાઈલ, સ્માર્ટ ટીવી અને ઈન્ટરનેટના આક્રમણ વચ્ચે જૂની અને જાણીતી જાદુ કલા વિસરાઈ રહી છે, સર્કસ, નાટ્ય કલા, ભવાઈની સાથે જાદુગરો માટે પણ કપરા દિવસો શરૂ થતા આજે દેશમાં 20થી 25 અને ગુજરાતમાં માત્ર ચારથી પાંચ જેટલા જ પ્રોફેશનલ જાદુગરો જાદુના ખેલ બતાવવા સક્ષમ રહ્યા હોવાનું મોરબીના મહેમાન બનેલા જાદુગર વી.કે. જણાવી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના એવા લાલુકા ગમે જન્મેલા વિપુલભાઈ જીવાભાઈ પિંડારીયા એટલે કે ગુજરાતના જાણીતા જાદુગર વી.કે.હાલ પ્રાચીન જાદુ કલાને જીવંત રાખવા રાજ્યના શહેરોમાં પડાવ નાખી પોતાના 20થી 22 જેટલા ક્રુમેમ્બર સાથે અવનવા જાદુના ખેલ બતાવી જીવનનિર્વાહ કરી રહ્યા છે. છેલ્લા દસેક દિવસથી મોરબીના મહેમાન બનેલા જાદુગર વી.કે.કહે છે કે મોબાઈલ-ઇન્ટરનેટના આજના યુગમાં જાદુ કલા લુપ્ત થવા જઈ રહી છે, આજે દેશભરમાં માત્ર 20થી 25 અને ગુજરાતમાં માત્ર તેમના સહિત ચારથી પાંચ જ જાદુગરો પ્રોફેશનલી જાદુના શો કરી રહ્યા છે જેમાં જાદુગર લાલુભાઇ ચુડાસમા, સિનિયર મંગલ, જાદુગર વૈતાલ અને જાદુગર હકુભાનો સમાવેશ થાય છે.

જાદુગર વી.કે.જણાવે છે કે મોરબીમાં તેઓ સંપૂર્ણ પણે પારિવારિક માહોલમાં નિહાળી શકાય તેવા જાદુના શોમાં અઢીથી ત્રણ કલાક સુધી નાના બાળકોથી લઈ મોટેરાઓ અને વૃદ્ધોને ઝકડી રાખતી અલગ-અલગ જાદુની આઇટમો બતાવે છે જેમાં ખાસ કરીને ક્રોસ મીસ્ટ્રી, લેવિટેશન, ટેમ્પલ ઓફ માયાઝાળ, જીઓ મેડિકલ બોક્સ, બાળકોની પ્રિય ખાલી બોક્સમાંથી ભાલુ-ગોરીલા, અને સૌથી આકર્ષક અને જોખમી 30 સેકન્ડ ચેલેન્જ બોક્સ આઈટમ દર્શકોને ખુબ જ પસંદ પડે છે આ 30 સેકન્ડની આઇટમમાં જાદુગર વી.કે. એક લોક વાળા બોક્સમાં હોય છે અને જો 30 સેકન્ડમાં લોક બહાર નીકળી ન શકે તો કરવત તેમના ઉપર પણ ફરી જાય તેવી ચેલેન્જ હોય છે.

વધુમાં તેઓ કોરોના કાળની પરિસ્થતિ યાદ કરતા કહે છે કે તેમના 15 વર્ષના કેરિયરમાં સૌથી ખરાબ સમય કોરોના કાળમાં જોયો છે, હાલમાં વર્ષમાં સરેરાશ કોઈપણ જાદુગર 100થી 140 દિવસ એક ગામથી બીજા ગામ જાદુના શો કરી શકતા હોય છે ત્યારે આ કોરોના મહામારી દરમિયાન તેઓએ ત્રણ વર્ષ સુધી પોતાના શો બંધ રાખવા પડ્યા હતા અને 20થી 22 લોકોને આ કપરા સમયમાં રોજીરોટી આપવી કહું જ તકલીફ દે રહી હોવાનું તેમને ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે આજના સમયમાં 350થી 400 રૂપિયા જેવી ટિકિટ ખર્ચીને લોકો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો નિહાળવા જાય છે પરંતુ જાદુ કલા જીવંત રહે તે માટે 100,200 કે 300 રૂપિયાની ટિકિટ ખર્ચી બાળકોને જાદુકલા દેખાડતા ન હોવાનો માત્ર જાદુગર વી.કે.જ નહીં પણ મોટાભાગના જાદુગરોને વસવસો રહ્યો છે.જો કે, મોરબી આવેલા જાદુગર વી.કે. સમાજમાં અંધશ્રદ્ધા દૂર થાય તે માટે સાયન્સના ગુણધર્મોથી ધતિંગ કરતા પાખંડીઓના ખેલનું નિર્દશન કરવાની સાથે શાળા અને કોલેજના બાળકો માટે ખાસ કન્સેશન આપવાની સાથે રાજ્યભરની તમામ શાળાઓમાં પણ નજીવા દરે જાદુના શો યોજી પોતાની સાથે પોતાના ક્રુમેમ્બરોને રોજી રોટી મળે અને જાદુકલા જીવંત રહે તે માટે પ્રયાસ કરી રહ્યા છે.

- text

- text