અર્જુનની ટીપના આધારે 29 લાખની લૂંટને અપાયો અંજામ : સાત ઝડપાયા, એક ફરાર

- text


તાલુકા પોલીસ, એલસીબી સહિતની ટીમોએ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો, રૂ.28.30 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી હજુ ફરાર

મોરબી : મોરબી તાલુકાના જૂની પીપળી અને નવી પીપળી રોડ ઉપર ફેક્ટરીએ નોકરી પુરી કરી ઘેર પરત જઈ રહેલા કેશિયરના બાઈક સાથે ફોર વ્હિલ અથડાવી અજાણ્યા ત્રણ શખ્સોએ રૂ.29લાખની લૂંટ ચલાવ્યાની ઘટનામાં મોરબી એલસીબી તેમજ તાલુકા પોલીસ સહિતની ટીમોએ આ ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને લૂંટ કરનાર સાત આરોપીઓને દબોચી લીધા છે. તેમજ .28.30 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આ લૂંટ કેસમાં અર્જુન નામના મોરબીના આરોપીએ ટીપ આપતા સમગ્ર લૂંટને અંજામ અપાયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ ચકચારી લૂંટમાં સાત આરોપીઓને ઝડપી લીધા છે અને એક આરોપીને ફરાર દર્શાવાયો છે.

મોરબી નજીક આવેલ કેલેફેકસન ટેકનો પ્રા.લી. ફેકટરીમા કેશિયર તરીકે કામ કરતા નવી પીપળી ગામેં રહેતા ચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવી ફેક્ટરીએથી કામ પતાવી ઘેર જતા હતા ત્યારે ગત અઠવાડિયે નવી પીપળી અને જૂની પીપળી વચ્ચે આશ્રમ નજીક એક અજાણી કારે તેમને ઠોકર મારી નીચે પછાડી દીધા હતા અને કારમાંથી ઉતરેલા અજાણ્યા ત્રણ શખ્સો તેમની પાસે રહેલ રોકડ રકમ ભરેલો થેલો લઈ નાસી ગયા હતા. અજાણી ફોર વ્હીલમાં આવેલ ત્રણ અજાણ્યા માણસો લૂંટને અંજામ આપી નાસી ગયા હતા. પોલીસે ફરિયાદ નોંધી ત્રણ ટીમ બનાવી આરોપીની શોધખોળ આદરી હતી. દરમિયાન મોરબી એલસીબી અને તાલુકા પોલીસ સહિતની ટિમોએ બાતમીદારોને કામે લગાડી સઘન તપાસ કરીને લૂંટના બનાવના મૂળ સુધી પહોંચ્યા હતા.

આ ચકચારી લૂંટ કેસમાં પોલીસે આરોપી મયુરસિંહ દિલીપભાઈ ડોડીયા (ઉવ.28 રહે. ચોટીલા થાન રોડ રુદ્ર ભૂમિ સોસાયટી જયેશભાઇના મકાનમાં), શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ (ઉ.વ.29 રહે. સરા રોડ રઘુનંદન સોસાયટી હળવદ), મહિપાલસિંહ અભેસંગ ગોહેલ (ઉ.વ.27 રહે. સુખપર હળવદ) ભગવાન ઉર્ફે ભગો કરસનભાઈ રબારી (ઉ.વ.30 રહે. હરીપર તાલુકો ધાંગધ્રા), રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપભાઈ લીબોલા (ઉ.વ.28, રહે. ગોરી ઘનશ્યામપુર તાલુકો હળવદ) દશરથ ઉર્ફે લાદેન જીલુભાઈ પરમાર (ઉ.વ.27 રહે. હરીપર તાલુકો ધાંગધ્રા) અને લૂંટની ટીપ આપનાર અર્જુનગીરી નારદગીરી ગોસાઈ (ઉ.વ.27 રહે. શિવ પાર્ક વેજીટેબલ રોડ ઉમા ટાઉનશીપ પાછળ મૂળ રહે. સોંડા ચુડા જિલ્લો સુરેન્દ્રનગર)ને રૂ.2 લાખ રૂપિયાની કાર, રૂ.4 લાખ રૂપિયાની કિંમતની બોલેરો કાર, રૂ.7 લાખની કિંમતની કિયા કાર અને રૂ.15 લાખ રૂપિયા રોકડા તેમજ રૂ.30500ની કિંમતના છ મોબાઈલ આમ કુલ મળીને કુલ રૂ.28,30,500 નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.આ લૂંટના ગુનામાં મનીષ સોલંકી (રહે. ચોટીલા થાન રોડ રુદ્ર ભૂમિ સોસાયટી વાળા ચોટીલા)ની સંડોવણી ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text