મોરબીની એલ.ઈ. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રી-યુનિયન યોજાયું

- text


ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ 45 વર્ષ બાદ એકબીજાને મળીને સંસ્મરણો વાગોળ્યા

મોરબી: રાજ્યની સૌથી જૂની ગણાતી મોરબીની એલ. ઈ. એન્જિનિયરિંગ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રી-યુનિયન યોજાયું હતું. તારીખ 11 ડિસેમ્બરના રોજ એલ.ઈ. કોલેજ ખાતે સિવિલ એન્જિનિયરિંગ વિદ્યા શાખાના કુલ 46 જેટલા વિદ્યાર્થીઓ આશરે 45 વર્ષ બાદ ભેગા થયા હતા અને એકબીજાને મળીને જૂની યાદો તાજી કરી હતી.

આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આ કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગ વિદ્યાશાખામાં વર્ષ ૧૯૭૨-૧૯૭૭ની બેચમાં અભ્યાસ કરનારા અમે સૌ વિદ્યાર્થીઓએ હાલમાં ડીસેમ્બર ૧૦ અને ૧૧, ૨૦૨૨ના રોજ વિદ્યાર્થીઓનો રી-યુનિયન કાર્યક્રમ આયોજીત કર્યો હતો. વર્ષ ૧૯૭૭માં અંતિમ વર્ષ સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષા પાસ કરીને અમે સૌ ભારે હૃદયે મોરબીથી વિદાય લીધાને લગભગ ૪૫ વર્ષ જેટલો લાંબો સમય પસાર થઈ ગયા પછી પણ કોલેજના ભવ્ય સ્થાપત્ય ધરાવતા મકાનો જેવા કે એમ્પ્રી હોલ, બેડમિન્ટન હોલ, સ્વીમિંગપુલ તેમજ મોરબી શહેરની સ્થાપત્યની ભવ્યતા ધરાવતા ઝૂલતો પુલ, દરબારગઢ, મણિમંદિર, ગ્રીનચોક, નહેરુગેટ, પરશુરામ પોટરી જેવા સંસ્મરણો આજના દિવસે પણ અમારા સૌ ની સ્મૃતિમાં જળવાયેલા છે.

વધુમાં વિદ્યાર્થીઓએ કહ્યું કે, અમે સૌએ કોલેજની શાન-બાન વધે તે રીતે અમારી કારકિર્દીમાં ઉતરોત્તર પ્રગતિ કરી છે. અમારી બેચના ત્રણ વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય સરકારમાં સચિવના હોદ્દા પર છે. જ્યારે શૈલેષ ગાંધી નામના વિદ્યાર્થીની ફાઉન્ડેશન બાબતના તેમના ઊંડા જ્ઞાનને ધ્યાને લઈને અયોધ્યા ખાતે બનતા રામ મંદિરની ફાઉન્ડેશન કમિટીના ચેરમેન તરીકે ભારત સરકારે નિમણૂક કરી છે. અમારામાંથી અંદાજે ૧૦ વિદ્યાર્થીઓ વિદેશમાં પણ સ્થાયી થયેલા છે. આ બધી બાબતો એલ. ઈ. કોલેજ, મોરબી માટે ખુબજ ગૌરવશાળી ગણી શકાય તેવી છે.

વિદ્યાર્થીઓના રી-યુનિયન કાર્યક્રમના સફળ આયોજન માટે કે.એસ.શ્રીનિવાસ, સી.બી.પટેલ, ભરત હિગલાજીયા અને સવજીભાઈ લાડવાએ જહેમત ઉઠાવી હતી. જેના ફળસ્વરૂપે સિવિલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાના કુલ ૪૬ વિદ્યાર્થીઓ 11 ડિસેમ્બરના રોજ એલ.ઈ. કોલેજ, મોરબી ખાતે ૪૫ વર્ષ પછી ભેગા થયા હતા. કોલેજ ખાતે હાલમાં કાર્યરત પ્રોફેસર / સ્ટાફ તેમજ ભૂતપૂર્વ પ્રોફેસર / સ્ટાફ આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કોલેજની રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે કોલેજ કેમ્પસની જર્જરીત હાલત જોઈને સૌએ ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી અને મોરબીની શાન એવી એલ. ઈ. કોલેજને ફરી પહેલાના જેવી જીવંત બનાવવા મોરબીના ઉદ્યોગપતિઓ, કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત પ્રયત્નો કરવા જોઈએ તેવો મત રજૂ કર્યો હતો.

- text

- text