135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટનાની આજે પ્રથમ માસિક પુણ્યતિથિ

- text


ચૂંટણીના શોર-બકોર વચ્ચે 135 નિર્દોષ લોકોના જીવ હોમાયા તે ગોઝારી ઘટના ભુલાવા લાગી

મોરબી : સમગ્ર દેશમાં ચર્ચિત બનેલી મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. અચરજની વાત છે કે 135 નિર્દોષ લોકોના ભોગ લેનારી આ ગોઝારી દુર્ઘટના ચૂંટણીના શોર-બકોર વચ્ચે ભુલાઈ રહી છે. સામે સરકારે પણ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી પણ કરી નથી.

મોરબીમાં ગત તા.30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી જતા 135 લોકોના મોત નિપજ્યા હતા. જેના પરિણામે આખા શહેરમાં માતમ છવાયો હતો. એ આખી રાત શહેર આખું એમ્બ્યુલન્સના સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું. હોસ્પિટલમાં મૃતદેહ રાખવા જગ્યા પણ મળતી ન હતી. કમનસીબે આ ગોઝારી દુર્ઘટનામાં તપાસના નામે સરકાર દ્વારા નર્યું નાટક જ કરવામાં આવ્યું છે.

સરકારે ત્વરિત કાર્યવાહી બતાવવા માટે દુર્ઘટનાના બીજે દિવસે તા.31 ઓક્ટોબરે ફરિયાદ નોંધી લીધી હતી. બાદમાં ઓરેવાના મેનેજર, રીનોવેશનનું કામ લેનાર પેટા કોન્ટ્રકટર સહિતના 9 લોકોની અટકાયત પણ કરી હતી. જો કે એક મહિનો થયો છતાં વાત આનાથી આગળ વધી જ નથી.

- text

આ ઝૂલતા પુલને મોટા ડીંગા મારીને ખુલ્લો મૂકીને પ્રસિદ્ધિ મેળવનાર ઓરેવાના જયસુખ પટેલ સુધી પહોંચવામાં સરકારનો પન્નો ટૂંકો પડ્યો છે. એફએસએલ રિપોર્ટમાં ઓરેવાની અનેક ગંભીર બેદરકારી સામે આવી છતાં આગળની કોઈ કાર્યવાહી થઈ નથી. બીજી તરફ જયસુખ પટેલ વિદેશ પલાયન થઈ ગયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. ચીફ ઓફિસરને પણ સસ્પેન્ડ કરી એક વખત નિવેદન માટે બોલાવી સંતોષ માની લેવામાં આવ્યો છે.

ચૂંટણીના શોરબકોરમાં આ મોટી દુર્ઘટના લોકોમાં ભુલાઈ ગઈ છે. જો કે ભોગ બનનાર પરિવારોને આ ગોઝારી દુર્ઘટના જીવનભર નહી ભુલી શકાશે નહી. કારણકે કોઈકના પાપે તેમને પરિવારજન ગુમાવવાનો વારો આવ્યો છે.

- text