મોરબી – વાંકાનેર હાઇવે ઉપર ડમ્પરની ઠોકરે દંપતિ ખંડિત

- text


બંધુનગરનું દંપતિ ઢુંવા દવા લેવા ગયું અને પત્નીની નજર સામે જ પતિનું મૃત્યુ

વાંકાનેર : લોહી તરસ્યા વાંકાનેર – મોરબી હાઇવે ઉપર ઢુંવા ચોકડી નજીક દવા લઈને પરત ફરી રહેલા બંધુનગર ગામના દંપતીને કાળમુખા ડમ્પર ચાલકે પાછળથી ઠોકર મારતા પત્નીની નજર સામે જ પતિનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બંધુનગર ગામે રહેતા સંજયભાઈ સુખદેવભાઈ આદ્રોજા અને તેમના પત્ની ચેતનાબેન ઢુંવા ખાતે આવેલ ભગવતી ક્લિનિકમાં દવા લઈ પરત ફરતા હતા ત્યારે ઢુંવા સર્વિસ રોડ ઉપર જીજે – 13 – એટી – 7982 નંબરના ડમ્પર ચાલકે બે ફિકરાઈથી પુરપાટ ઝડપે ડમ્પર હંકારી સંજયભાઈના બાઇકને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા સંજયભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની ચેતનાબેનને બન્ને પગમાં ફ્રેક્ચર થતા મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

- text

આ અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો. ઘટના અંગે મૃતકના ભાઈ મહેન્દ્રભાઇ ઉર્ફે ટીનાભાઈ સુખદેવભાઈ આદ્રોજાએ ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text