મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટનામાં જવાબદારોને ભાજપ સરકાર બચાવી રહી છે : કેજરીવાલ 

- text


વાંકાનેરમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનો ભવ્ય રોડ શો યોજાયો : દિલ્હીની જેમ ગુજરાતમાં પણ મફતમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય સવલતો તેમજ રાજગારી સહિતના વચનોની લહાણી કરી

મોરબી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વંગવતા પ્રચારમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઝપલાવી વાંકાનેરમાં આજે ચૂંટણી પ્રચાર માટે ભવ્ય રોડ શો યોજીને મોરબીની પુલ દુર્ઘટના અંગે જવાબદારોને ભાજપ સરકાર છાવરી બચાવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ મોરબી દુર્ઘટનામાં જવાબદાર કંપની અને ભાજપ સરકાર વચ્ચે સાંઠગાંઠ હોવાના આરોપો લગાવી ભાજપ પર પ્રહારો કર્યા હતા.

વાંકાનેરના આમ આદમી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં આજે આપનાં સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વાંકાનેરમાં આવીને ભવ્ય રોડ શો કર્યો હતો. ખુલ્લી ગાડીમાં કેજરીવાલે રોડ શો કરી વાંકાનેરની મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં વાજતે ગાજતે ફરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. કેજરીવાલના આ ચૂંટણી પ્રચાર માટે જાહેર રોડ શોમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો મોટી સંખ્યા જોડાયા હતા. વાંકાનેરમાં કેજરીવાલના રોડ શો વાજતે ગાજતે અને ધૂમધડાકાભેર નીકળ્યો હોવાથી લોકોનું આકર્ષણ ખેંચવાનો ભારે પ્રયાસ થયો હતો. રોડ શો દરમિયાન કેજરીવાલ મોરબીની પુલ દુર્ઘટના મામલે ભાજપ ઉપર વરસી પડ્યા હતા. તેમણે કહ્યું હતું, આવડી મોટી ખુવારી થઈ તે ઘટનામાં જે તે પુલનું રીનોવેશન કરનાર કંપની ઓરેવા અને તેના માલિક સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી તે ખૂબ જ શરમજનક બાબત છે. શુ કામ જવાબદાર સામે કાર્યવાહી ન થઈ તે સૂચવે છે કે રાજકીય ઓથ ધરાવતી કંપનીને ભાજપ સરકાર બચાવે છે. જવાબદારો સામે કાર્યવાહી ન થઈ એ બાબત ભાજપ સરકારની મેલી રમત અને તેની સાથે સાંઠગાંઠ હોવાનું જાહેર થતું હોવાનો પણ આરોપ મુક્યો હતો.

રોડ શો દરમિયાન તેમને વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ડબલ એન્જીન સરકારને જંગ લાગી ગયો હોય હવે આપની એક સિંગલ એન્જીન વાળી સરકારની જરૂરિયાત હોવાનું જણાવી 27 વર્ષ બાદ હવે ગુજરાતમાં ભાજપ પછી આમ આદમી પાર્ટીને માત્ર વિકાસ માટે તક આપવાની પણ વાત રજૂ કરી હતી. તેમજ દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ વિકાસના મોડેલ ઉપર કામ કરી ગુજરાતમાં મફતમાં વીજળી, આરોગ્ય, શિક્ષણ સહિતની સવલતો આપવા અને બેરોજગારીને દૂર કરવા માટે પણ વચનો આપ્યા હતા.

- text

કેજરીવાલે વાંકાનેરમાં રોડ શો કર્યો પરંતુ ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવાજનોને રૂબરૂ સંવેદના વ્યક્ત કરવા મોરબી ન આવ્યા

ચૂંટણી પ્રચાર માટે વાંકાનેર આવેલા કેજરીવાલે વાંકાનેરમાં વાજતે ગાજતે ભવ્ય રોડ શો કર્યો હતો. તેઓ રોડ શો દરમિયાન ઝૂલતા પુલ દુર્ઘટનામાં ભાજપ સરકાર પર આરોપો લગાવ્યા હતા. પરંતુ નજીકમાં મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના ઘટી હતી અને સેકડો લોકોનો ભોગ લેવાયો હતો. ત્યારે કેજરીવાલ મોરબી આવીને મૃતકોના પરિવારને રૂબરૂ મળી તેમના દુઃખમાં સહભાગી બની શક્યા હોત પરંતુ તેઓ વકાનેરથી મોરબી અવાના બદલે સીધા ચોટીલા ચૂંટણી પ્રચાર માટે જતા રહ્યા હતા.

- text