મોરબીમાં પીએમ મોદીના આગમનને પગલે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

- text


પીએમના રૂટ પરના રસ્તાના ગાબડા રાતોરાત બુરી દેવાયા, હેલિપેડ અને પીએમના રૂટ પર સુરક્ષા બંદોબસ્ત કડક કરી દેવાયો : અમુક રસ્તાઓ અત્યારથી ડાયાવર્ટ કરતા રાહદારીઓ પરેશાન

મોરબી : મોરબીમાં ગોઝારી ઝૂલતાપૂલ તૂટવાની ઘટનાને લઈને આજે બપોરે વડાપ્રધાન મોદી મોરબી આવી રહ્યા હોય ત્યારે આજે સવારથી શહેરમાં જડસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ પીએમના રૂટ પર અને મુલાકાતના સ્થળે સફાઈ અને ગાબડા બુરવાની કામગીરી કરવામાં આવી છે. જ્યારે હેલિપેડ અને પીએમ રૂટ પર સુરક્ષા બંદોબસ્ત કડક કરી દેવામાં આવ્યો છે.

મોરબીમાં આજે બપોર બાદ વડાપ્રધાન નરેદ્ર મોદી પુલ તૂટવાની દુર્ઘટનાને લઈને મોરબી આવી રહ્યા હોય ત્યારે તંત્ર ગતરાત્રીથી પીએમ મોદીને સારું લગાડવા માટે રાતોરાત મોરબીની સિવિલ હોસ્પિટલનું રિપેરીગ શરૂ કરી દીધું હતું. બીજી તરફ આજે સવારથી જ મોદીના આગમનને લઈને તેમના નિર્ધારિત રૂટના રસ્તામાં ગાબડા બુરી દેવામાં આવ્યા છે. નગરપાલિકા, વહીવટી તંત્ર, સિવિલ તંત્ર અને પોલીસ તંત્ર આજે સવારથી ખડેપગે રહી ગયું છે.

જ્યારે પીએમના આગમનને લઈને પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરશુરામ પોટરીના મેદાનમાં હેલિપેડ બનાવવામાં આવ્યું હોય ત્યાં ફરતે કોરિડોર બનાવી દેવાયું છે. પીએમના રૂટ પોલીસ છાવણીમાં ફેરવાયા છે. મોરબી ઉપરાંત રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગરની પોલીસનો મોટો કાફલો મોરબીમાં ઠેરઠેર બંદોબસ્ત માટે ખડકી દેવાયો છે. પરશુરામ પોટરીથી લઈને પીએમના તમામ રૂટ ઉપર રાતોરાત સફાઈ કરીને ખાડાને ગાયબ કરી દેવાયા છે. એકંદરે હાલ મોરબીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાય છે. જયારે પીએમ રૂટને ધ્યાને લઇ સવારથી અમુક રસ્તાઓ ડાયવર્ટ કરતા સવારે કામ ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

- text

- text