એટ્રોસિટી કેસમાં વાંકાનેરના ધારાસભ્ય મહમદ ઝાવિદ પીરઝાદા સહીત પાંચનો નિર્દોષ છુટકારો

- text


તીથવા ગામના પાણી પ્રશ્ને રજુઆત સમયે તત્કાલીન વાંકાનેર ટીડીઓને જાતિ પ્રત્યે અપમાનિત કરાતા નોંધાઈ હતી ફરિયાદ

મોરબી : વાંકાનેર તાલુકાના તીથવા ગામના પાણી પ્રશ્ને તાલુકા પંચાયતમાં ટોળા સાથે રજુઆત કરવા ગયેલા ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદા સહીત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ વર્ષ 2012માં તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલી એટ્રોસિટી એક્ટ સહિતની ફરિયાદ અંગેનો કેસ મોરબીની નામદાર અદાલતમાં ચાલી જતા સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થતા પાંચેય આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. જો કે આ કેસ ફરિયાદી સિવાય નજરે જોનારા સરકારી કર્મચારી એવા સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થતા આ બાબતે સરકારી વકીલ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વર્ષ 2012ના ઓગસ્ટ મહિનામાં વાંકાનેર તાલુકાના તીથવા ગામે પાણીનો પ્રશ્ને વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવિદ પીરજાદા, વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ યુનુસભાઇ શેરસીયા, તિથવા ગામના સરપંચ મોહમ્મદભાઈ શેખ, તીથવા ગ્રામ પંચાયતના સભ્ય જલાલભાઈ પટેલ તેમજ અબ્દુલભાઈ ચૌધરી સહિત પાંચ વ્યક્તિઓ તાલુકા પંચાયત કચેરીમાં ટોળા સાથે રજુઆત કરવા ગયા ત્યારે કચેરીમાં તોડફોડ સહિતની ઘટના બની હતી અને ટીડીઓ ભગોરા દ્વારા આ મામલે ધારાસભ્ય સહિતના પાંચ આરોપીઓ વિરુદ્ધ જાતિ પ્રત્યે અપમાનિત કરવા અંગે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- text

જે અંગેનો કેસ ચાલી જતા ફરિયાદી ટીડીઓ પોતાની ફરિયાદ અંગે મક્કમ રહ્યા સિવાય અન્ય સરકારી કર્મચારી એવા સાક્ષીઓએ ઘટનાને સમર્થન ન આપી હોસ્ટાઇલ જાહેર થતા નામદાર અદાલત દ્વારા આરોપીઓના વકીલ અનિલભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને દલીલોને ધ્યાને લઈ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમાં સરકારી કર્મચારી હોવા છતાં સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થતા સરકારી વકીલ દ્વારા ગંભીર નોંધ લઈ ચુકાદાના કાનૂની અભ્યાસ બાદ અપીલ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

- text