મોરબીના વેપારીને અમદાવાદી ગઠિયો છેતરી ગયો, 75 લાખનું બટન

- text


ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી પરિચય કેળવ્યો અને કરી છેતરપિંડી

મોરબી : મોરબીના ભરડીયાના ધંધાર્થીને પોતે ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં નોકરી કરતો હોવાનું અને પોતાની વી.વી.આઈ.પી. લોકો સાથે ઓળખાણ હોવાનું કહી પરિચય, વિશ્વાસ કેળવી અમદાવાદી શખ્સે રૂપિયા 75 લાખ હાથ ઉછીના મેળવી વિશ્વાસઘાત કરતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના નઝરબાગ રોડ ઉપર આવેલ અનુપમ સોસાયટીમાં ઓમ એપાર્ટમેન્ટમાં રહેતા અને ટીંબડી ગામના પાટીયા પાસે નવરચના સ્ટોન પ્રોડક્ટ તેમજ હળવદ નજીક જેઠવા સ્ટોન નામની ભાગીદારી પેઢી ધરાવતા અનીલભાઇ જમનાદાસ ઠક્કર નામના વેપારીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અમદાવાદની મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી ના ડાયરેકટર પંકજકુમાર ફકિરચંદ સોલંકી, રહે-17-એ શીવાલીક સોસાયટી કબીર એન્કલેવ પાસે ધુમા બોપલ રોડ અમદાવાદ તથા પ્રેમસાગર ફકિરચંદ સોલંકી, રહે-14 અરૂણોદય સોસાયટી શીવાજી પાર્કની બાજુમા, કુબેરેશ્વર મહાદેવ મંદિરની સામે, સેજપુર બોધા, અમદાવાદ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં વિશ્વાસઘાત છેતરપિંડી કરવા મામલે ફરિયાદ નોંધાવી છે.

- text

ફરિયાદમાં જણાવ્યા મુજબ અનિલભાઈના મિત્ર થકી પંકજકુમાર ફકિરચંદ સોલંકી અને પ્રેમસાગર ફકિરચંદ સોલંકી સાથે ઓળખાણ થઈ હતી. આ સમયે તેઓ ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં નોકરી કરતા હોવાનું અને આઈઆરએસ અધિકારી હોવાનું તેમજ તેઓ સેવા નિવૃત બાદ વીવીઆઈપીઓની ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા હોવાનું જણાવી અનીલભાઈ સાથે સંબંધો કેળવ્યા હતા. બાદમાં એક વખત રૂપિયા 10 લાખની જરૂરત હોવાનું કહી નાણાં મેળવી સમયસર પરત આપી દીધા હતા.

જો કે ત્યાર બાદ આ બન્ને ભેજાબાજે અવાર નવાર ફરિયાદી અનિલભાઈના જેઠવા સ્ટોનમાં આવી સંબંધ વધાર્યા બાદ અમદાવાદ નજીકની એક જમીન ખરીદી હોય દસ્તાવેજ માટે સાડા ચાર કરોડની જરૂરત હોવાનું જણાવી નાણાં ઉછીના માગ્યા હતા અને અનીલભાઈએ જુન-2016માં રૂપિયા 75 લાખ આપ્યા હતા. જે નાણાં પરત માંગતા કોરોના સહિતના બહાના કાઢી નાણાં નહિ ચૂકવતા અંતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વિદેશ મંત્રાલયમાં નોકરી કરતા હોવાની ઓળખ આપી થયેલી આ ઠગાઈ મામલે હાલમાં મોરબી તાલુકા પોલીસે અનિલભાઈ ઠક્કરની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 120(બી), 406, 419, 420 મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text