રોડ શોના રૂટ ઉપર ઢોર ગાયબ બાદ હવે આડેધડ ખડકાયેલા બમ્પ પણ હટ્યા

- text


લાખોના ખર્ચે મજૂરી વિના રોડ ઉપર આડેધડ ખડકાયેલા બમ્પ પ્રજાના હિતમાં નહિ પણ જે.પી.નડ્ડાના રોડના શોના કારણે હટયા

મોરબી : મોરબીમાં અગાઉ કોન્ટ્રાક્ટરે મંજૂરી વગર રોડ આડેધડ બમ્પ ખડકી દીધા બાદ ઘણા સમયથી આ રોડ ઉપર ખડકાયેલા પ્લાસ્ટિકના બમ્પ દૂર કરવાની માંગ ઉઠ્યા બાદ પણ બમ્પ ન હટતા લોકોને યાતના વેઠવી પડતી હતી. જો કે તંત્રએ પ્રજા હિત ઇચ્છયું હોત તો બિનજરૂરી અને મંજુરી વગરના બમ્પ વહેલા હટી ગયા હોત પણ આખરે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના રોડ શોના રૂટ ઉપરથી તંત્રએ રાતોરાત આ બમ્પ હટાવી દીધા હતા.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા મોરબીના સમય ગેઇટ ખાતેથી ખાતે આજે બપોરે 4 વાગ્યે રોડ-શોનો પ્રારંભ કરશે, આ રોડ શોમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ જોડાશે. આ રોડ શોના નિધારીત રૂટ મોરબીના સમય ગેઈટથી સ્કાય મોલ, ઉમિયા સર્કલ, હાઉસિંગ બોર્ડ, જીઆઇડીસી, સ્વામિનારાયણ મંદિર, સરદારબાગ ચોક, રામચોક, , નહેરૂગેઈટ, યદુનંદન ચોક થઇ ટાઉનહોલ, રવાપર રોડ સહિતના રૂટ ઉપર કોઈપણ જાતની અડચણ ન આવે તે માટે તંત્ર રાતોરાત તમામ કામગીરી કરી નાખી છે.

- text

જો કે તંત્રએ આ નિર્ધારિત રૂટ ઉપર રોડ ટકાટક કરી, નેતાઓ ઢોરની ઢીકે ન ચડે એ માટે માર્ગો પરથી ઢોર ગાયબ કરી દીધા, વોકળા પાસે ગંદકીના થર ઢાંકી દીધા બાદ છેલ્લી ઘડીએ તંત્રએ રિહર્સલ કર્યું ત્યારે ખબર પડી કે રોડ શો માટે શહેરમાં અગાઉ લાખોના ખર્ચે આડેધડ ખડકાયેલા મંજૂરી વગરના અને જેને દૂર કરવા માટે ઘણા સમયથી માંગ થતી હતી એ રોડ ઉપરના બમ્પ રોડ શોમાં મોટી અડચણ બનશે તેવું લાગતા તંત્રએ રાતોરાત રોડ શોના નિર્ધારિત રૂટ પરના તમામ બમ્પ હટાવી દીધા હતા. આ વાતથી એક બાબત નક્કી છે કે તંત્ર ધારે તો ગમે તેવી મુશ્કેલ સમસ્યા પણ એક ચૂંટકીમાં હલ કરી શકે એમ છે. પણ એના માટે પ્રજાની માગણી નહિ નેતાઓ મોરબી આવવા જોઈએ તો જ કામ થાય.

- text