કમો તો ભગવાને દીધેલું ઘરેણું છે એને ડાયરામાં નચાવાય નહી

- text


ભાગવત સપ્તાહમાં યોજાયેલ ડાયરામાં કલાકાર યોગેશદાન ગઢવીએ સ્ટેજ ઉપરથી કરેલી ટિપ્પણી

મોરબી : મોરબીમાં કોરોના દિવંગત આત્માઓના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત સપ્તાહમાં રોજે-રોજ નવી નવી વાતો સામે આવી રહી છે ત્યારે ગઈકાલે સાંજે કથાસ્થળે યોજાયેલ ડાયરામાં લોકગાયક યોગેશદાન ગઢવીએ આજકાલ ડાયરામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેલા દિવ્યાંગ બાળક કમા વિશે કરેલી ટિપ્પણી ચર્ચાસ્પદ બની છે. કલાકાર યોગેશદાન ગઢવી સ્ટેજ ઉપરથી કહ્યું કે, કમો તો ભગવાને દીધેલું ઘરેણું છે તેને ડાયરામાં નચાવાય કે, ધુણાવાય નહીં.

ગઈકાલે મોરબીમાં પૂર્વ ધારાસભ્ય આયોજિત ભાગવત સપ્તાહમાં રાત્રીના માયાભાઇ આહીર, પૂનમ બારોટ, અનિલભાઈ વાંકાણી અને યોગેશદાન ગઢવી સહિતના કલાકારોની હાજરીમાં લોકડાયરો યોજાયો હતો. આ તકે, કલાકાર યોગેશદાન બોક્ષાએ સ્ટેજ ઉપરથી કહ્યું હતું કે કોઈ કલાકારે તેમને ડાયરામાં દિવ્યાંગ બાળક કમાને લાવશો કે નહીં તેવું પૂછતાં તેમને કહ્યું હતું કે, કમો તો ભગવાને દીધેલું ઘરેણું છે, એને ડાયરામાં નચાવાય ધુણાવાય નહીં…. કમો દિવ્યાંગ છે એના મનમાં શું ચાલતું હોય તે જાણી ન શકાય એક દિવ્યાંગની આવી મશ્કરી ન હોય તેવું જણાવ્યું હતું.

- text

વધુમાં યોગેશદાન ગઢવીએ દિવ્યાંગ બાળક કમાને લઈ કરેલી ટિપ્પણી બાદ જણાવ્યું હતું કે હું કમો નહીં પણ નમો લાવવા વાળો માણસ છું આજથી 20 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનશે તેવું મંચ ઉપરથી બોલવા વાળો હું એક જ હતો જે વાતના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાક્ષી હોવાનું પણ તેમને મંચ ઉપરથી કહ્યું હતું.

કાન રસિયો રૂપાળો રંગ છેલ રે….. પંક્તિઓ સાથે આજે એક તરફ ધ્રાંગધ્રા તાલુકાનો રહેવાસી કમો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે ત્યારે લોકગાયક યોગેશદાન ગઢવીએ દિવ્યાંગ બાળક કમાને લઈ કરેલી ટિપ્પણી હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.

- text