ગણેશજીની આરતી માટે ચોકમાંથી ગાડી હટાવવાનું કહેતા યુવાન ઉપર હુમલો

- text


મોરબીની ઉમા ટાઉનશીપમા બનેલો બનાવ 

મોરબી : મોરબી ઉમા ટાઉનશીપમાં ગણેશોત્સવમાં સાંજના સમયે આરતી સમયે ચોકમાં નડતર રૂપ પડેલી ગાડી હટાવવાનું કહેનાર યુવાન ઉપર છ શખ્સોએ હુમલો કરી માથામાં છરી ઝીકી દેતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ઉમા ટાઉનશીપમાં ચોકમાં ગણેશોત્સવનું આયોજન કરેલુ હોવાથી દરરોજ સાંજના સમયે સામુહિક આરતી કરવામાં આવે છે જે અન્વયે ગઈકાલે સાંજના સમયે આરતીનો સમય થતા અહી શીવપ્રેમ હાઈટસમાં રહેતા અને ઇલેક્ટ્રિકનો વ્યવસાય કરતા રાહુલભાઈ ઉર્ફે મુનો કાંતીલાલ વિડજા સહિતના યુવાનો પાર્કિંગમાં નડતર રૂપ ગાડીઓ હટાવી લેવા માટે રહેવાસીઓને કહેતા હતા.

બરાબર આ સમયે ઉમા ટાઉનશીપમાં જ રહેતા પ્રકાશભાઈ ફુલતરીયાના ઘેર મહેમાન આવ્યા હોય જેમની એક જ ગાડી નડતર રૂપ હોય આથી રાહુલભાઈ ઉર્ફે મુનો કાંતીલાલ વિડજા સહિતના યુવાનોએ આ ગાડી હટાવવાનું કહેતા આરોપી પ્રકાશભાઈ ફુલતરીયાએ ગાડી અહીંથી નહિ હટે તેમ કહી ઝઘડો કર્યો હતો.

- text

બાદમાં રાહુલભાઈ ઘેર જતા રહ્યા હતા ત્યારે આરોપી અમૃતલાલ કુંડારિયાના પુત્ર નિશિતે રાહુલભાઈને ફોન કરી સમાધાન માટે બોલાવ્યા હતા જ્યા ફરી ઝઘડો કરી આરોપી પ્રકાશભાઈ ફુલતરીયા, અમૃતલાલ કુંડારીયા અમૃતલાલ કુંડારીયાનો દિકરો નીશીત અને ત્રણ અજાણ્યા શખ્સોએ રાહુલભાઈને ગાળો આપી ઢીકા પાટુનો મૂંઢ મારી ત્રણ અજાણ્યા શખ્સો પૈકી એકે માથામાં છરી ઝીકી દેતા રાહુલભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગાડી હટાવવા જેવી નજીવી બાબતે થયેલા આ ઝઘડા અંગે રાહુલભાઈ વિડજાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text