ગરીબોના ભાગના ઘઉં, ચોખા ન પચે ! મોરબીના સાત સસ્તા અનાજના વેપારીઓને 21 લાખનો દંડ 

- text


અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ફરિયાદ બાદ મોરબી જિલ્લા પુરવઠા અધિકારીનો સપાટો : મોરબીના ચાર અને માળીયા તાલુકાના ત્રણ પરવાનેદાર કાળા બજારી બદલ દંડાયા  

મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમયથી સુષુપ્ત અવસ્થામાં ચાલ્યા ગયેલા પુરવઠા વિભાગની ઢીલી નીતિને કારણે સસ્તા અનાજના દુકાનદારો ખુલ્લે આમ ગરીબ લોકોના હિસ્સાનું અનાજ, કેરોસીન, ચોખા સહિતનો જથ્થો કાળાબજારમાં બેજીજક પણે વેચી રહ્યા છે તેવામાં નવા આવેલા જિલ્લા પુરવઠા અધિકારીએ સપાટો બોલાવી અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસની ઝપટે ચડી ગયેલા અને કાળાબજારમાં સંડોવાયેલા એક સામટા સાત સસ્તા અનાજના વિક્રેતાઓને ગેરરીતિ સબબ રૂપિયા 21 લાખનો દંડ ફટકારતા કાળાબજારી કરતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ્યવાપી તપાસ દરમિયાન મોરબી જિલ્લામાં પણ સપાટો બોલાવી રેશનકાર્ડ ધારકોની જાણ બહાર ગેમસ્કેન અને સેવડેટા નામના સોફ્ટવેરથી ગરીબોના હિસ્સાનું રાશન બારોબાર હડપ કરી જનારા સસ્તા અનાજના દુકાનદારો વિરુદ્ધ આઇપીસી કલમ 409, 464, 467, 468, 471, 120 (બી),આવશ્યક ધારા તેમજ ઈનફર્મેશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી જે સંદર્ભે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ જી.રાઠોડ દ્વારા કેસ ચલાવી મોરબી તાલુકાના ચાર અને માળીયા તાલુકાના ત્રણ દુકાનદારોને જુદી-જુદી ગેરરીતિ સબબ કુલ રૂપિયા 21 લાખનો દંડ ફટકાર્યો છે.

- text

વધુમાં કાળાબજારી કરતા સાત સસ્તા અનાજના વિક્રેતાઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ જી.રાઠોડે જણાવ્યું હતું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની કાર્યવાહી બાદ પરવાનેદારો સામેના કેસ ચાલી જતા માળીયા તાલુકાના નાની બરાર વ્યાજબી ભાવની દુકાનના સંચાલક પુષ્પકાન્ત રાણાને 5,62,271, મેઘપર વ્યાજબી ભાવની દુકાનના સંચાલક રામભાઈ ગોવિંદભાઇ લાવડીયાને 2,46,338 અને જાજાસર વ્યાજબી ભાવના દુકાનદારને 7,86,114 રૂપિયાનો દંડ ફરકારવામાં આવ્યો છે.

વધુમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મોરબી તાલુકાના લાલપર, લૂંટાવદર, નાની વાવડી અને લીલાપર ગામના વ્યાજબી ભાવના દુકાનદારોને પણ ગરીબીના હિસ્સાના રાશનનો કાળાબજારમાં વેચી મારવાના ગોરખધંધા કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે અને કુલ મળીને સાતેય સસ્તા અનાજના દુકાનદારોને કુલ રૂપિયા 21 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ સત્તાવાર રીતે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં પેધી ગયેલા મોટાભાગના ખાઉધરા સસ્તા અનાજના વેપારીઓ દ્વારા પણ ખુલ્લેઆમ ગરીબોના હિસ્સાના ઘઉં, ચોખા અને અન્ય ચીજવસ્તુઓના કાળા બજાર કરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી આ દિશામાં પણ તપાસ કરે તો અનેક સસ્તા અનાજના દુકાનદારોની અસલિયત છતી થાય તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

- text