ઝાડુ ઉપર પીંછડો ફર્યો ! આમ આદમી પાર્ટીના ભીત સૂત્રોથી કોન્ટ્રાકટર ગભરાયો

- text


મોરબી હાઇવેના રોડ કોન્ટ્રાક્ટરે ભક્તિનગર સર્કલ બ્રિજ ઉપર લખાયેલા સૂત્રો ઉપર પીંછડો ફેરવ્યો

મોરબી : વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ આમ આદમી પાર્ટીએ એડીચોટીનું જોર લગાવી પ્રચાર શરૂ કરી જનતાના મનમાં જગ્યા બનાવવાં લાગતા સત્તાધારીપક્ષમાં ગભરાટ ફેલાયો હોય તેવા અણસારો વચ્ચે મોરબી હાઇવે ઉપર ભક્તિનગર સર્કલે બ્રિજની દીવાલો ઉપર આમ આદમી પાર્ટી દ્વારા લખાયેલા સૂત્રો ઉપર ઉપર કોન્ટ્રાકટરે ઉભાપગે રહી પીંછડો ફેરવ્યો હતો. જો કે ભીતસુત્રો જોનારા તંત્ર અને કોન્ટ્રાક્ટરને મોરબી રોડના ગાબડા કેમ નથી દેખાતા તે પણ મોટો સવાલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ આગામી વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થતાં જ મોરબી શહેર અને જિલ્લામાં આમ આદમી પાર્ટી સક્રિય બની છે. રજૂઆતો, કાર્યક્રમોની સાથે આમ આદમી પાર્ટી દ્વારા અનેક જગ્યાએ જનતાને જાગૃત કરવા સાવરણાના નિશાન સાથેના ભીતસુત્રો લખ્યા છે. જેમાં ભક્તિનગર સર્કલ નવા બનેલા બ્રિજ ઉપર લખેલા સૂત્રોથી રોડનો કોન્ટ્રાકટર દોડતો થયો છે. જો કે, આ મામલે આમ આદમી પાર્ટીના અગ્રણીએ સવાલ ઉઠાવતા કોન્ટ્રાક્ટરે આર એન્ડ બીની સૂચનાથી તત્કાળ કાર્યવાહી કર્યાનું સોશ્યલ મીડિયા લાઈવમાં જણાવ્યું હતું.

વધુમાં આમ આદમી પાર્ટીના પંકજ રાણસરિયાએ સમગ્ર કાર્યવાહી ફેસબુક પેઈજ ઉપર લાઈવ કરતા કોન્ટ્રાકટર એવું કહેતા માલુમ પડયા હતા કે પરમિશન સિવાય બ્રિજની દીવાલ ઉપર લખાણ લખવાની મનાઈ છે. ઉપરાંત પાંચ વર્ષ માટે રોડનો કોન્ટ્રાકટ અને મેઇન્ટનન્સ તેમની પાસે હોય ભીતસુત્રો ભૂંસાવ્યા હોવાનું જણાવ્યું હતું.

- text

જો કે, આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે, મોરબી રાજકોટ રોડનું હજુ લોકાર્પણ નથી થયું ત્યાંજ ઠેર – ઠેર મસમોટા ગાબડા પડી ગયા છે ત્યારે કોન્ટ્રાક્ટરને લોકોને ગાબડાથી પડતી મુશ્કેલી દેખાતી નથી અને ભીતસુત્રો દેખાઈ છે ત્યારે રોડ મેઇન્ટન્સ કરવાનું કેમ સૂઝતું નથી તેવા ગંભીર સવાલો આર એન્ડ બી ઉપર પણ ઉઠી રહ્યા છે.

- text