મોરબી શહેર-જિલ્લાને વાયરલ તાવ, શરદી ઉધરસનો અજગરી ભરડો : ડેન્ગ્યુ પણ દેખાયો

- text


ઘેર-ઘેર માંદગીના ખાટલા : ધાબડીયા વાતાવરણને કારણે દવાખાના દર્દીઓથી ઉભરાયા : હવે ડેન્ગ્યુ તરખાટ મચાવવા સજ્જ

મોરબી : છેલ્લા બે માસથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે ધાબડીયું વાતાવરણ છવાયેલ રહેતા મોરબી શહેર અને જિલ્લામાં વાયરલ તાવ, શરદી અને ઉધરસના રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. આજે ઘેર-ઘેર માંદગીના ખાટલા છે ત્યારે દવાખાનાઓમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. જો કે ચિંતાજનક બાબત એ છે કે ભેજવાળા વાતાવરણમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા છૂટા છવાયા ડેન્ગ્યુના કેસ આવવા પણ શરૂ થઈ ગયા છે.

જન્માષ્ટમી તહેવારની મોસમ પૂર્ણ થવાની સાથે જ મોરબી શહેર અને જિલ્લામાં વાયરલ તાવ, શરદી અને ઉધરસના રોગચાળાએ માઝા મૂકી હોય તેવી સ્થિતિ વચ્ચે સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી રીતસર છલકાઈ રહ્યા છે. હાલમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઘેર-ઘેર માંદગીના બિછાના પથરાયા છે. સામાન્ય રીતે હાલમાં મોટાભાગના લોકોને ગળું ખરાબ થવું અને બાદમાં તાવ આવવાના લક્ષણો સાથે લોકો બીમાર થઈ રહ્યા છે.

મોરબીના જાણીતા તબીબ ડો. વિપુલ માલાસણાના જણાવ્યા મુજબ વર્ષાઋતુમાં સતત વાદળછાયા વાતાવરણે કારણે લોકોમાં તાવ, શરદી અને ઉધરસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. આ વાયરલ બીમારીથી બચવા લોકોને વાસી ખોરાક ન ખાવા, બહારનું જમવાનું અને નાસ્તો કરવાનું ટાળવું, બહાર જતા સમયે માસ્ક પહેરી સમયસર તબીબી સલાહ અનુસરી દવા લેવા લોકોને અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં 100થી વધુ મોટી હોસ્પિટલમાં દૈનિક 50થી 100 લોકો સારવાર માટે જઈ રહ્યા છે ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં જ દરરોજ 800થી 900 લોકો ઓપીડીમાં આવી રહ્યા છે આ ઉપરાંત નાના ક્લિનિક અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રેક્ટિસ કરી રહેલા તબીબો પાસે પણ સેંકડો લોકો સારવાર માટે ઉમટી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

 

- text