મોરબીના પંચાસર રોડ ઉપર લગાતાર ફસાતા વાહનો, વધુ એક ટ્રક ખુંપી ગયો 

- text


વરસાદને કારણે ભીની માટીમાં વારંવાર વાહનો ફસાઈ જવા છતાં તંત્ર કાર્યવાહી ન કરતા લોકોમાં ભારે રોષ

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર અગાઉ પાઇપલાઈન નાખ્યા બાદ યોગ્ય રીતે સમથળ કરવાને બદલે માત્ર માથે ચીકણી માટી નાખી દેતા વરસાદને કારણે વારંવાર વાહનો ખુંપી જતા હોવાની વચ્ચે તંત્રની બેદરકારીને કારણે લગાતાર વાહનો ખુંપી રહ્યા છે. જેમાં આજે ટાઇલ્સ ભરેલો ટ્રક વરસાદને કારણે અહીં ભીની થયેલી માટીમાં એ હદે ખુંપી ગયો હતો કે કલાકોની મહેનતને અંતે બહાર નીકળી શક્યો હતો.

મોરબીના પંચાસર રોડ પર રહેતા જાગૃત નાગરિક જેનિસ કાનજીભાઈ રબારીએ જણાવ્યું હતું કે,પંચાસર રોડ ઉપર અગાઉ રોડ ખોદીને કોન્ટ્રાકટરો દ્વારા મોટી પાઇપલાઇન નાખવામાં આવી હતી. પાઇપલાઈન નાખ્યા બાદ કોન્ટ્રાકટરો દ્વારા માથે રોડને સમથળ કરવાને બદલે માત્ર પોચી માટી નાખી દીધી હતી. દરમિયાન વરસાદ પડતાં આ માટી પીગળી ગઈ હોવાથી જેવા વાહનો નીકળવાની ત્યાંથી કોશિશ કરે કે તરત જ વાહનો આ માટીમાં એ હદે ખુંપી જાય કે મહામહેનતે બહાર કાઢવા પડે છે. વરસાદ સમયે તો દરરોજ ઘણા વાહનો આ માટીમાં ફસાઈ ગયા હતા હજુ પણ માટી ભીની હોવાથી દરરોજ એકાદ બે વાહન ફસાઈ જાય છે. થોડા સમય પહેલા મોરબીના પાંચસર રોડ ઉપર નગરપાલિકાની કચરા ગાડી નીકળી કે તરતજ ભીની માટીમાં ખુંપી ગઈ હતી. છતાં તંત્રને ફરજનું ભાન થયું ન હતું. આજે એક ટાઇલ્સ ભરેલો ટ્રક પસાર થયો કે તરત જ ભીની માટીમાં ખુંપી ગયો હતો. ટ્રક હેવી અને ઉપરથી માલ પણ ભરેલો હતો એટલે માટીમાંથી બહાર કાઢવામાં ભારે કસરત કરવી પડી હતી. દરરોજ લગાતાર વાહનો ખુંપી જતા હોવા છતાં તંત્ર કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

- text

- text