નગર દરવાજાનો કાંગરો ખરી પડ્યો : મહિલાનો હાથ ભાંગી ગયો 

- text


રાજાશાહી સમયની વિરાસત સાચવવામાં પુરાતત્વ વિભાગ અને પાલિકા તંત્ર ઉદાસીન 

મોરબી : ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા નગર દરવાજા ચોકમાં આજે પૌરાણિક ઈમારતનો કાંગરો અચાનક ધરાશાયી થતા નગર દરવાજા નીચે લસણ-ડુંગળીનો વેપાર કરતા એક મહિલાનો હાથ ભાંગી ગયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પૌરાણિક અને મોરબીની શાન ગણાતા નહેરૂ ગેઇટ એટલે કે નગર દરવાજાના ટાવરની બાજુમાં આવેલ કલાત્મક ઝરુખા ઉપરનો કાંગરો આજે બપોરના સમયે અચાનક ખરી પડતા નગર દરવાજા પાસે લસણ ડુંગળીનો વેપાર કરતા વિસીપરામાં રહેતા આશાબેન પપુભાઈ દેવીપૂજક નામના મહિલાને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે નગર દરવાજા ચોકમાં માણસોની સતત અવરજવર થતી રહે છે ત્યારે આજે આ ઘટના ઘટી ત્યારે સદભાગ્યે અન્યકોઈ લોકોને ઇજા પહોંચી ન હતી. નોંધનીય છે કે નગરદરવાજાનો પાયો ઈસ્વીસન 1923માં નંખાયો હતો અને એક સમયે આ કલાત્મક ઇમારત લોર્ડ ગેઇટ તરીકે ઓળખાતી હતી. જો કે મોરબીની શાન સમાન નગર દરવાજાના રખરખાવ પ્રત્યે પાલિકા અને પુરાતત્વ વિભાગ ઉદાસીન હોય આ પૌરાણિક ઇમારત હાલ દિવસે-દિવસે જર્જરિત બની રહી છે.

- text

- text