પાલિકાને ડહાપણ દાઢ ફૂટી : બાંધકામ મંજૂરી વગરના ફ્લેટ, મકાન દુકાન સહિતની મિલકતોના દસ્તાવેજ નહિ નોંધવા કલેકટરને રાવ

- text


મોરબીમાં ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં નહિ ભરતી પાલિકાનો જવાબદારી ખંખેરવા પ્રયાસ : ગેરકાયદે ધમધમી રહેલા બાંધકામ અટકાવવામાં પાલિકા અસમર્થ

મોરબી : મોરબીમાં ચારે તરફ ફ્લેટ, મકાન, દુકાન સહિતના ગેરકાયદે બાંધકામો ખુલ્લેઆમ બેરોકટોક પણે ધમધમી રહ્યા છે ત્યારે આવા બાંધકામો ઉપર હથોડા ઝીંકવાની જવાબદારી જેમની છે તેવા ચીફ ઓફિસર દ્વારા ગેરકાયદે બાંધકામ અટકાવવાને બદલે નગરપાલિકા વિસ્તારમાં મંજૂરી વગરના બાંધકામના દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર કચેરીમાં નહીં નોંધવા સબ રજિસ્ટ્રારને સૂચના આપવા જિલ્લા કલેકટર સમક્ષ લેખિત રજુઆત કરી છે.

મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે, ઓનલાઈન ડેવલોપમેન્ટ સીસ્ટમ 2.0 દ્વારા શહેરી વિસ્તારમાં કોઈપણ બાંધકામ માટે માત્ર ઓનલાઈન માધ્યમ IFP/ઈ-નગરથી મંજુરી આપવા અંગેની પ્રર્વતમાન સૂચનાઓ વર્ષ-2017થી અમલમાં આવતા મોરબી નગરપાલિકા દ્વારા પણ અમલવારી કરવામાં આવે છે અને પરવાનગીઓ ઓ.ડી.પી.એસ.-2.0 હેઠળ નોંધાયેલ રજીસ્ટર્ડ એન્જીનીયરો દ્વારા કરવામાં આવે છે. જે અન્વયે કોઈપણ વિકાસ પરવાનગીની ફાઈલો નગરપાલિકાના આવક -જાવક વિભાગ ખાતે સ્વીકારમાં આવતી નથી.

પરંતુ મોરબી સબ રજીસ્ટ્રાર કચેરી દ્વારા નગરપાલિકાના આવક વિભાગે આવક રજીસ્ટરથી નોંધણી થયેલ હોઈ તેવા સિક્કા ધરાવતી ફાઈલોને રજુ થયેલ નકશાઓ મુજબ બાંધકામ પરવાનગી મળેલ છે તેવું માની સીધે-સીધા ફલેટ, મકાન તથા અન્ય મિલ્કતોના દસ્તાવેજની નોંધણી કરવાની કાર્યપધ્ધતી અપનાવવામાં આવેલ છે. અને જેને પરિણામે નગરપાલિકામાંથી બાંધકામ મંજુરી ન મેળવી કચેરીને બાંધકામના ચાર્જ પેટે અંદાજીત રૂ.200 પ્રતિ સ્કવેર મીટર નુકશાન થાય એ પ્રકારની ગેરકાયદેસરની નોંધણી થઇ રહેલ છે.

- text

વધુમાં સરકારી કાગળો સાથે આ પ્રકારે ચેડા કરી, અનઅધિકૃત આધારો ઉભા કરી, દસ્તાવેજોની જે નોંધણી કરવામાં આવે છે તેના પરિણામે શહેરી વિસ્તારમાં સી.ડી.જી.સી.આર.નું પાલન કરવામાં આવતું નથી અને પાર્કિંગ માર્જીનના નીયમોના અપાલનના કારણે આવશ્યક સુવિધાઓ ઉભી કરવામાં અને ટ્રાફિક સમસ્યા નિવારવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત આવા અનઅધિકૃત આધારોથી વેચાણ થયેલ મીલ્કતો, ઈમારતોને પી.જી.વી.સી.એલ, કચેરી તરફથી તથા ગુજરાત ગેસ તરફથી આવશ્યક સેવાઓ કમ્પ્લીશન સર્ટીફિકેટ, બિલ્ડીંગ યુઝ પરમીશન અને ફાયર એન.ઓ.સી.ની ચકાસણી કર્યા વિના આપવામાં આવે છે, જે બાબત મોરબી શહેરનો સમાવેશ ભૂકંપ ઝોન-3માં થવા પરત્વે જાન-માલ માટે જોખમરૂપ હોવાનું જણાવ્યું છે.

આ સંજોગોમાં મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીને નગરપાલિકા વિસ્તારમાં નોંધવામાં આવતા તમામ દસ્તાવેજમાં બાંધકામ અંગેની તમામ નોંધણીઓમાં નગરપાલિકા કચેરી તરફથી ઓ.ડી.પી.એસ.2.0 હેઠળ ઓનલાઈન બાંધકામ પરવાનગી સંદર્ભે પરમીશન મળી હોવાનુ “ડી-ફોર્મ” અને કમ્પ્લીશન સર્ટી, બિલ્ડીંગ યુઝ પરમીશન અને ફાયર એન.ઓ.સી.ની ચકાસણી કરવામાં આવે અને ગુજરાત હાઇકોર્ટના કેસ નં.- PIL-118/2020 થી મળેલ તમામ નિર્દેશોનું પાલન થઇ શકે તેવી સૂચના આપવા રજુઆત કરી છે.

જો કે મહત્વની વાત એ છે કે મોરબી શહેરમાં છડેચોક તમામ નીતિ નિયમો નેવે મૂકી બંધાઈ રહેલા નવા બાંધકામો ભૂકંપ ઝોનના તમામ નિયમોના ઉલ્લંઘન સાથે બંધાઈ રહ્યા છે અને આવા ગેરકાયદેસર બાંધકામો અંગે અનેકાનેક ફરિયાદો કરવા છતાં ચીફ ઓફિસર એક નોટિસ પણ આપી શકતા નથી ત્યારે હવે હાઇકોર્ટ દ્વારા આવા ગેરકાયદે બાંધકામો સામે પગલાં ભરવા તમામ પાલિકાને કડક હાથે કાર્યવાહી કરવા આદેશ આપતા પોતાના બચાવ માટે પાલિકા દ્વારા કલેકટર તંત્ર અને સબરજિસ્ટ્રાર ઉપર ઠીકરું ફોડવા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું આ પત્ર ઉપરથી સ્પષ્ટ પણે જણાઈ રહ્યું છે.

- text