મચ્છુ માતાજીના જયઘોષ સાથે મોરબીમાં ભવ્ય રથયાત્રા નીકળી : હૈયેહૈયું દળાઇ તેટલી જનમેદની ઉમટી

- text


કોરોના મહામારી બાદ પ્રથમ વખત છૂટછાટ સાથે રથયાત્રા યોજાતા ભાવિકોમાં અનેરો ઉત્સાહ : રબારી- ભરવાડ સમાજે પરંપરાગત પોષાકમાં સજ્જ થઈ રાસ-ગરબા, ટીટોડો અને હુડોની રમઝટ બોલાવી

રથયાત્રાના દરેક રૂટ ઉપર પોલીસનો કડક બંદોબસ્ત, નિર્ધારિત રૂટ ઉપર ઠંડાપીણાં, શરબત, લસ્સીનું વિતરણ

મોરબી : મોરબીમાં આજે અષાઢી બીજના પાવન પર્વે મચ્છુ માતાજીના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભવ્ય રથયાત્રા નીકળી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળ્યા બાદ મચ્છુ માતાજીના જયઘોષ સાથે રબારી ભરવાડ સમાજે પરંપરાગત પોષાકમાં સજ્જ થઈ રાસ-ગરબા, ટીટોડો અને હુડોની રમઝટ બોલાવી હતી. રથયાત્રાના દરેક રૂટ ઉપર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નિર્ધારિત રૂટ ઉપર ઠંડાપીણાં, શરબત, લસ્સીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.નોંધનીય છે કે કોરોના મહામારી બાદ પ્રથમ વખત મુક્ત વાતાવરણમાં રથયાત્રા યોજાતા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આજે મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મચ્છુ માતાજીની જગ્યા ખાતેથી આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે મોરબી પંથકના સમસ્ત રબારી અને ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માતાજીના જયઘોષ સાથે ભવ્ય મચ્છુ માતાજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રાનું સમાજના ધર્મગુરુ ઘનશ્યામપુરી મહારાજના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં રબારી અને ભરવાડ સમાજના લોકો જોડાયા હતા.અને હાલારની લુપ્ત થતી સંસ્કૃતિ ટીટોડો, હુડો, રાહદાની ડીજેના તાલે ધૂમ મચાવી હતી. રથયાત્રા મહેન્દ્રપરાથી સુપર ટોકીઝ થઈને જેમ જેમ આગળ વધતી ગઈ એમ એમ રથયાત્રામાં હજારો લોકો જોડતા ગયા અને જોતજોતામાં રથયાત્રામાં માનવ સાગર લહેરાયો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી.

મચ્છુ માતાજીની રથયાત્રા હાલ શહેરમાં ફરી રહી છે અને મચ્છુ માતાના ગગનભેદી નાદ સાથે સમગ્ર શહેરમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. રથયાત્રા હૈયેહૈયું દળાઇ તેટલી જનમેદની ઉમટી પડી છે. આ રથયાત્રા મુખ્યમાર્ગો ઉપર ફરીને દરબારગઢ ખાતે આવેલ મચ્છુ માતાની જગ્યા ખાતે પૂર્ણ થશે. જ્યાં મહાપ્રસદની વ્યવસ્થા કરવામાં આવી છે અને રાત્રે લોક ડાયરાનું આયોજન કરાયું છે.

કોરોના મહામારી બાદ આ વર્ષે સંપૂર્ણ છૂટછાટ સાથે રથયાત્રા યોજાઈ રહી હોય આ રથયાત્રા વિના વિધ્ને શાંતિપૂર્ણ રીતે પસાર થાય એ માટે પોલીસે દરેક રૂટ ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ખુદ એસપી અને ડીવાયએસપી મેદાને આવી રથયાત્રાનું નિરીક્ષણ કરી સુરક્ષાની કમાન સાંભળી રહ્યા છે.

- text

- text