સુંદરીભવાની ગામે દીવાલ પડવાની દુર્ઘટનામાં મૃતકો પરિવારને ચાર – ચાર લાખની સહાય મંજુર

- text


એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત થતા પરિવારનો માળો પિંખાઈ ગયો હતો : સરકારે સહાય ચુકવવામાં મંજૂરીની મહોર મારી

હળવદ : હળવદના સુંદરીભવાની ગામે 12 જૂને ભારે વરસાદને કારણે ગોઝારી દુર્ઘટના બની હતી. જેમાં દીવાલ ધસી પડતા એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના કાટમાળ હેઠળ દટાઈ જવાથી મોત નિપજતા સરકારે મૃતકના પરિવારજનોને ચાર – ચાર લાખની સહાય મંજુર કરી છે.

હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે ગત તા.12 જૂને સાંજના સમયે ભારે વરસાદે દેગામાં પરિવાર તહસ-નહસ કરી નાખ્યો હતો. જેમાં સુંદરીભવાની મંદિરથી કેનાલ જતા રોડ ઉપર આવેલી વાડીએ ભારે વરસાદને કારણે એક કાચી દીવાલ ઘસી પડતા વાઘજીભાઈ ગફલભાઈ દેગામાં, છેલાભાઈ ગફલભાઈ દેગામા અને રાજુબેન વાઘજીભાઈ દેગામાના દીવાલના કાટમાળ હેઠળ દટાઈ જવાથી ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

એક જ પરિવારના ત્રણ – ત્રણ વ્યક્તિ કાળનો કોળિયો બની જતા તેમના સંતાનો નોંધારા બન્યા હતા. એક તો આ પરિવાર સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતો હોય ઉપરથી આવી વિનાશક ઘટના બનતા આ પરિવાર ઉપર દુઃખનું આભ તૂટી પડ્યું હતું.

- text

દુર્ઘટનાને પગલે અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી મૃતકના મેડિકલ રિપોર્ટ, મૃતકના પરિવારજનોના નિવેદનો, ઘરની આર્થિક સ્થિતિ સહિતની તમામ બાબતો અંગેનો સ્થાનિક તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રએ સરકારને રિપોર્ટ મોકલ્યો હતો. જેમાં આ પરિવાર સહાય મળવાપાત્ર હોવાથી સરકાર તરફથી જરૂરી સહાય આપવા દરખાસ્ત કરવામાં આવી હતી આથી સરકારે ત્રણેય મૃતકના પરિવારને 4-4 લાખ મળીને કુલ રૂ.12 લાખની સહાય મંજૂર કરી છે.

- text