મોરબી જિલ્લાના ત્રણ ગામોની શાળામાં બાળકોને પ્રવેશ અપાવતા જિલ્લા વિકાસ અધિકારી

- text


 

‘ભાર વિનાનું ભણતર’ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવા શિક્ષકોને અપીલ કરતાં જિલ્લા વિકાસ અધિકારી 

મોરબી : મોરબી જિલ્લાના ભક્તિનગર, રોટરીગ્રામ(અ.), અમરનગર તેમજ ભરતનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાઓ ગુંજતી થાય તેમજ વધુ ને વધુ બાળકો શાળાઓમાં પ્રવેશ મેળવી સુશિક્ષિત નાગરિક બને તે હેતુથી દર વર્ષે શાળા પ્રેવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના મેમદપૂર ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવી શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મોરબી જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવે વિવિધ ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં ભૂલકાઓ સાથે સાથે ઉમંગભેર પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી.

ભક્તિનગર, રોટરીનગર(અ.) અમરનગર તેમજ ભરતનગરની પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીના પ્રાંગણમાં ભૂલકાઓએ પા પા પગલી માંડી હતી. બાળકોની કાલીઘેલી ભાષાથી શાળાનું વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

આ ઉપરાંત એસ.એમ.સીની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવે શાળાના શિક્ષકોને તેમજ વાલીઓને બાળકોને મુક્ત વાતાવરણ મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવા સૂચન કર્યું હતું અને જણાવ્યું હતું કે, અનુભવ શ્રેષ્ઠ છે બાળકોને જે આપણે નહીં શીખવી શકીએ તે અનુભવ શીખવશે. વધુમાં ‘ભાર વિનાનું ભણતર’ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવા પણ શિક્ષકોને અપીલ કરી હતી.

આ તકે નવા આવેલા ભૂલકાઓને પાટી-પેન, પુસ્તક, રંગો, બેગ, વોટરબેગ વગેરે આપીને મહાનુભાવોએ વધાવી લીધા જેથી બાળકો હર્ષોલ્લાસથી ઝૂમી ઊઠ્યા હતા. ઉપરાંત આગલા વર્ષે શાળામાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલા તેજસ્વી તારલાઓને પણ ઈનામ આપી સન્માનવામાં આવ્યા હતા.

શાળાઓમાં આ કાર્યક્રમનું સંચાલન પણ શાળાના બાળકોએ તેમની કાલીઘેલી ભાષામાં કરી સૌને આનંદીત કર્યા હતા.

- text

આ તકે મોરબી તાલુકા વિકાસ અધિકારી દીપાબેન કોટક, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, સી.આર.સી. સંદીપભાઈ આદ્રોજા, સરપંચ સર્વશ્રી મહેન્દ્રભાઈ આદ્રોજા, રવિભાઈ છત્રોલા, પ્રભાબેન પટેલ અને તમામ પ્રાથમિક શાળાના આચાર્ય સર્વ અશ્વિનભાઈ કલોલા, મણીલાલ સરડવા, પ્રફુલભાઈ લોરીયા, રજનીશભાઈ દલસાણીયા તેમજ શાળાના શિક્ષકો, આંગણવાડી વર્કર વાલીઓ તેમજ શાળાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text