કોઈપણ રાષ્ટ્ર ત્યારે જ મજબુત બને, જયારે તેની પ્રજા પોતાના દેશને ખરેખરો પ્રેમ કરતી હોય : ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ

- text


વિકાસ એટલે શું? સાચો વિકાસ કયારે દેખાશે? આ બાબતે ‘સમસ્યા અને સમાધાન’ પુસ્તકમાં ઉંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરતા ઉદ્યોગકાર જયસુખભાઈ પટેલ

પ્રગતિ, સુવિધા, સુખાકારી અને સમૃધ્ધિ તેમજ આર્થિક સલામતીનો ભરોસો.. વિકાસના આ પ્રાથમિક લાભો છે પણ આપણને એ મળવા જોઈએ એટલાં પણ મળ્યાં નથી. તેનું સૌથી મોટું કારણ આપણે ખુદ છીએ ! : જયસુખભાઈ પટેલ

આપણા દેશમાં હંમેશા કોઈપણ પ્રોજેકટ, ઈન્ફ્રાસ્ટ્રકચર માટે મોટી મોટી જાહેરાતો એડવાન્સમાં કરવામાં આવે છે. ધામધૂમથી જાહેરાતો કર્યા પછી એ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે. પ્રોજેકટ પૂરો થાય પછી મોટી મોટી જાહેરાતો કરીને લોકાપર્ણના ભવ્ય ખર્ચાળ સમારંભ, કાર્યક્રમો કરવામાં છે પણ એ પછી આપણે એ પ્રોજેકટને સાવ વિસરી જઈએ છીએ ! જે તે પ્રોજેકટ શરૂ કરવાનો ઉદેશ શું હતો, પ્રોજેકટનું પ્લાનિંગ કરેલું ત્યારે તેના લાભો, ફાયદાઓ કે લાભ શું હતા અને પૂરો થયા બાદ આ લાભો, ફાયદાઓ લોકોને મળે છે કે નહીં અને મળે છે તો કેટલા ટકા એ મળી રહયાં છે, એ અંગે કયારેય વિચાર કરતાં નથી ! આ આપણા દેશની સૌથી મોટી ‘કમનસીબી’ હોવાનું મોરબી સ્થિત ઑરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ લેખના આરંભમાં જણાવી આગળ લખે છે કે..

આપણે જયારે લોકો પાસેથી કરોડો રૂપિયા ટેકસના સ્વરૂપમાં મેળવીને તેમાંથી લોકોના લાભાર્થે યોજના કે માળખાંઓ તો બનાવીએ છીએ પણ આવા પ્રોજેકટ કે ઈન્ફ્રાસ્ટ્રકચરનો લાભ તેની ક્ષમતા કે આવરદા સુધી પૂરેપૂરો મળવો જોઈએ, એ બાબત આપણે જરા પણ ગંભીર નથી. કોઈપણ પ્રોજેકટ પૂરો થયા પછી ખરેખર લોકોને તેનો લાભ મળે છે કે નહીં તે જોવું જોઈએ અને તેનો લાભ, ફાયદો લોકોને મળે તો જ દેશનો વિકાસ શકય છે.

આપણે ‘વિકાસ’ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરીએ છીએ અને પ્રોજેકટ, ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરીએ છીએ. પરંતુ રોકેલાં ‘નાણાં’નો લાભ લઈ શકતાં નથી યા તો લેતાં નથી. જયસુખભાઈ પટેલના મતે ટ્રેજેડી તો એ છે કે, આ બાબતે આપણે રતિભાર પણ ગંભીર નથી. આપણા દેશમાં છેલ્લાં પચાસ વર્ષમાં કરોડો રૂપિયાના રોકાણથી રેલ્વે, ડેમ, કેનાલો, રોડ, પોર્ટ, પાવર પ્લાન્ટ, પીવાના પાણી માટેની વ્યવસ્થા, ડ્રેનેજ, ગેસ લાઈનો, રિફાઈનરીઓ, ફર્ટિલાઈઝર પ્લાન્ટ, એરપોર્ટ, બસ સર્વિસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન, હોસ્પિટલ, યુનિવર્સિટી, શાળા અને કોલેજો શરૂ થયા છે અને હજુ નવા નવા આયોજનો કરતાં જઈએ છીએ પણ… છેલ્લાં પચાસ વર્ષમાં જે કંઈ પણ ઈન્ફ્રાસ્ટ્રકચર આપણે લોકોના લાભાર્થે લોકોના પૈસાથી બનાવ્યાં છે, તેનો ખરો ઉપયોગ કરીએ છીએ ખરાં? જવાબ છે, ના.

આપણા દેશમાં બનેલી સુવિધા કે વ્યવસ્થા કે માળખાકીય યોજનાઓનો માત્ર ત્રીસ ટકા લાભ લોકોને મળે છે. મતલબ એ થયો કે ઈન્વેસ્ટ કરેલાં નાણાંનું સંપૂર્ણ વળતર કે લાભો આપણે લેતાં નથી યા લઈ શકતાં નથી ! આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ પ્રાઈવેટ વ્યક્તિ કે કંપની જયારે કોઈપણ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ કરે કે તેમાં રોકાણ કરે ત્યારે તેની ‘ઈકોનોમીક’ વાયેબિલીટીને સૌથી પહેલાં ચકાસે છે અને પ્રોજેકટ પૂરા થયા પછી તેની ‘મેકસિમમ કેપેસિટી’નો ઉપયોગ કરે છે, તેમાં જ ‘પ્રોજેકટની સાર્થકતા’ રહેલી છે. આ જ પોલિસીથી રોકાણ કરેલાં રૂપિયાનું શ્રેષ્ઠ વળતર મળતું હોય છે. પ્રાઈવેટ કંપની કે વ્યક્તિ મિનિમમ ૭૦ ટકાથી વધારે ‘ક્ષમતા’થી પ્રોજેકટનો ઉપયોગ કરતી હોય છે પણ સરકાર તરફથી કરવામાં આવેલા પ્રોજેકટમાં ૩૦ ટકાથી વધારે ‘એફિસીયન્સી’નો ઉપયોગ કરવામાં આવતો નથી. પરિણામે લોકો પાસેથી ટેકસ સ્વરૂપમાં વસુલવામાં આવેલા પૈસાનો જે લાભ કે વળતર મળવું જોઈએ, એટલું મળતું નથી. જેના કારણે ‘વિકાસ’ દેખાતો નથી, તેમ જયસુખભાઈ પટેલ જણાવે છે.

મોરબીના અગ્રણી ઉદ્યોગકાર જયસુખભાઈ પટેલના મંતવ્ય પ્રમાણે, આપણે નવા પ્રોજેકટસ કરવાની બદલે આગામી પાંચ વર્ષ સુધી તૈયાર થયેલી માળખાગત યોજનાઓની ક્ષમતાને જો સિત્તેર ટકા જેવી કરી શકીએ તો કોઈપણ પ્રકારના નવા રોકાણ વગર જ આપણને વિકાસ દેખાતો થઈ જશે. આજે આપણા દેશમાં ફક્ત અને ફક્ત સરકાર પાસે જે કોઈપણ ઈન્ફ્રા પ્રોજેકટ છે તેનો ખરો ઉપયોગ લોકોના લાભ માટે પૂરી ‘એફિસીયન્સી’થી કરવામાં આવે, તેના ઉપર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. આપણી સરકાર ફકત ‘સરકારી અધિકારીઓ’ને આપવામાં આવેલી ‘ફરજો’નું પૂરેપૂરું પાલન કરાવે અને એ ન કરે તો તેની જવાબદારી, પેનલ્ટી, સસ્પેન્ડ કરવા જેવા કડક પગલાં સમાન ‘હાર્ડ ડિસીઝન’ લે તેની ખાસ જરૂર છે અને તો જ આ દેશમાં ખરેખર ‘વિકાસ’ જોવા મળશે.

શિસ્ત આપણા દેશમાં પ્રથમ જરૂરિયાત છે. એ માટે સૌથી પહેલા ‘સરકારી’ અધિકારીઓ ઉપર પ્રેસર લાવવાની ખાસ જરૂર છે. સરકારી અધિકારીઓ ફક્ત હોદ્દા, પાવરને કારણે મળતી સગવડોનો જ ઉપયોગ કરે છે અથવા લાભ લે છે પણ તેઓ ફરજ, નિષ્ઠા, જવાબદારીઓ નિભાવતાં માગતા નથી… આવી ઘોર માનસિકતા છતાં આપણા દેશમાં આવા ‘સરકારી’ અધિકારીઓને કંઈ જ થતું નથી. તેથી, ધીરે ધીરે ઉપરથી નીચે સુધી બધા જ કર્મચારીઓ પણ બેજવાબદાર, કામચોર, ભ્રષ્ટાચારી અને સરકારના જમાઈની જેમ વર્તતા થઈ જાય છે અને એ જ કારણે આજે દેશમાં કાયદો અને વ્યવસ્થાના ‘ચિંથરેહાલ’ થઈ ગયા હોવાનું જયસુખભાઈ પટેલ લખે છે.

- text

આપણા દેશની સૌથી મોટી કમનસીબી એ છે કે, ઉચ્ચ સ્થાન પર બેઠેલા અધિકારીઓ દેશની ૯૦ ટકા સંખ્યા ધરાવતી સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને પોલિસી બનાવતાં નથી પરંતુ ૧૦ ટકામાં આવતાં હાયર મિડલ કલાસ યા મિડલ કલાસની સમસ્યા, જરૂરિયાત અને સુવિધાઓનો જ વિચાર કરીને યોજનાઓ ઘડે છે. તેઓ યુરોપ કે અમેરિકા જેવા દેશોની કમ્પેરિઝન કરીને પોલિસીઓ બનાવતાં હોય છે… જયારે આપણા દેશમાં ૯૦ ટકા લોકો ગરીબી રેખાથી નીચે છે. તેમની જરૂરિયાત, સમસ્યા અને સુવિધાઓ માટે વિચારતાં નથી. આપણા અધિકારીઓ દ્વારા ઘડાતી પોલિસીમાં પણ એટલા બધા સ્પીડબ્રેકર્સ એટલે કે (નિયમો/ સર્ટીફિકેટ/ ટેસ્ટીંગ રજીસ્ટ્રેશન જેવા) જો અને તો મૂકવામાં આવે છે કે, પોલિસીનું હાર્દ મરી જાય છે! પરિણામે રિઝલ્ટ મળતું નથી અને આવા બિનજરૂરી સ્પીડબ્રેકર્સ રાખવાથી ભ્રષ્ટાચાર પણ વધારે થાય છે. કયારેક તો એવું જ લાગે છે કે, ભ્રષ્ટાચાર કરવા માટે જ સરકાર તરફથી સમજી વિચારીને જ આવી પોલિસી દેશ માટે બનાવવામાં આવે છે, તેમ જણાવી જયસુખભાઈ પટેલ આગળ જણાવે છે કે…

એક તરફ આપણા દેશમાં ભ્રષ્ટાચારના કારણે વિકાસ દેખાતો નથી. ‘વિકાસ’ પાછળ કરોડો રૂપિયાનો ટેકસ દેશની જનતા પાસેથી ઉઘરાવીને ભ્રષ્ટ રાજકારણીઓ, ભ્રષ્ટ અમલદારો અને ભ્રષ્ટ લોકો મોટાભાગનો હિસ્સો ‘ચાઉ’ કરી જાય છે અને બાકી જે વધે તેમાંથી ખૂબ જ હલકી ગુણવત્તાવાળા કામો થાય છે, જેના કારણે ‘ઉદ્દઘાટન’ થયાના થોડા જ સમયમાં તેની પાછળ મરામતના ખર્ચાઓ શરૂ થઈ જાય છે. આમ, દેશની જનતાના કરોડો રૂપિયાના ‘ટેકસ’ની રકમ સતત વેડફાતી રહી છે છેલ્લાં પાંચ દાયકાથી.

આપણા દેશમાં ‘ફાયનાન્સિયલ’ કોમર્શિયલ બેંકો, ઈન્સ્ટિટ્યૂટનો અને તેને કન્ટ્રોલ કરતી ઓથોરિટીઝની નજર હેઠળ જ મોટા મોટા આર્થિક કૌભાંડો થાય છે અને આ કૌભાંડો દેશના ઉપર લેવલના પોલિટિશ્યનો, અધિકારીઓ, સચિવો સુધીના બધા જ સંડોવાયેલા હોય છે પરંતુ આ બધાને કોઈ જ સજા, કેસ કે કંઈજ થતું નથી. આપણા દેશમાં બધું જ લોમલલોલ યા ધકેલ પંચા દોઢસોની શૈલીથી ચાલે છે કારણ કે આપણે લોકશાહીને લાયક નથી. આપણા દેશમાં ગ્રામ પંચાયત, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશન, ધારાસભા, લોકસભા, રાજયસભા જેવી બધી જ ચૂંટણી કેન્સલ કરીને ફક્ત ‘પ્રેસિડન્ટ’ ઈલેકશન હોવું જોઈએ તો જ આ દેશનો ઉધ્ધાર થઈ શકે તેમ છે! તેવું જયસુખભાઈ પટેલ માને છે અને આગળ લખે છે કે..

ભ્રષ્ટાચારના અજગરે આજે આખા દેશને ભરડો લીધો છે. દરેક લેવલ પર દરેક સરકારી કર્મચારીને પોતાની ફરજમાં આવતું કામ કરવા માટે પણ ‘લાંચ’ જોઈએ છે ! લાંચ લીધા વગર તેઓ એકપણ કામ કરવા માંગતા નથી, તેઓને કોઈ જ ‘ડર’ નથી કારણ કે ઉપરથી નીચે સુધી બધા જ ‘ભ્રષ્ટાચાર’ની સિસ્ટમમાં સામેલ છે. આજે ભ્રષ્ટાચાર એટલી હદ સુધી થાય છે કે ‘નડતર રૂપ ન થવા’ માટે પણ લાંચ આપવી પડે છે. કોઈપણ કર્મચારી, ઓફિસર હવે ફેવર કરવા માટે નહીં પરંતુ ‘ન નડવા’ માટે લાંચ માંગે છે. સરકારી સિસ્ટમમાં માત્ર ચારથી પાંચ ટકા ઈમાનદાર લોકો આજે પણ છે પરંતુ તેઓ કોઈ જ ‘નિર્ણય લેવા’ કે વિરોધ કરવા માંગતા નથી. તેઓ ફક્ત ‘સર્વિસ’ની ઓપ્રચ્યુનીટી નિભાવે છે કારણ કે તેઓ આંખે ચડવા માંગતા નથી.

જયસખભાઈ પટેલ વાસ્તવિકતા પર પ્રકાશ પાડે છે કે, સરકારી અધિકારીઓ ઉપર કોઈ જ કંટ્રોલ, લગામ, ડર, કંઈ જ નથી. મનફાવે એવું વર્તન કરીને તેઓ ‘ભ્રષ્ટાચાર’માં દેશની કરોડો રૂપિયાની રકમ (જે ‘ટેકસ’ સ્વરૂપે લોકો પાસેથી લેવામાં આવી છે તે ‘વેડફી’ નાખે છે અને પોતાના ઘર ભરે છે. તેઓના સાથ-સહકારમાં આપણા ‘ભ્રષ્ટ’ રાજકારણીઓ પણ છે. આજે દેશમાં ‘રાજકારણ’ એ સૌથી મોટો બિઝનેસ બની ગયો છે. લોકો ‘ભ્રષ્ટાચાર’થી મળતી બે નંબરી ઈન્કમ મેળવવા માટે રાજકારણમાં આવે છે અને દરેક સ્ટેજ ઉપર રાજકારણીઓ અને સરકારી બાબુઓ, બન્ને મળીને આજે દેશને ‘ઉધઈ’ની જેમ કોતરીને ખાય છે! રાજકારણીઓ ‘પાવર’, સત્તા માટે કરોડો રૂપિયાના ખર્ચાઓ કરે છે અને ‘સત્તા’ મળ્યાં પછી ‘અબજો’ રૂપિયામાં રિકવરી મેળવે છે.

જાણીતા ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ પોતાના પુસ્તક ‘સમસ્યા અને સમાધાન’માં જણાવે છે કે આપણે બધા એટલી બધી ‘નીચી’ કક્ષાએ જતાં રહ્યાં છીએ કે દેશનું, સમાજનું, પરિવારનું, ગામનું કંઈપણ થાય પણ આપણને વ્યકિતગત કશું થવું ન જોઈએ. આપણા એક રૂપિયા માટે દેશને ૧૦૦ રૂપિયાનું નુકશાન થવા દઈએ છીએ. આપણો દેશ એકવાર પડી ભાંગશે ત્યાર બાદ જ ક્રાંતિ આવશે. આ દેશને કોઈ બચાવી શકે તેમ નથી કારણ કે આપણે એ ય સમજતાં નથી કે, કોઈપણ ‘રાષ્ટ્ર’ ત્યારે જ મજબુત બને, જયારે તેની પ્રજા પોતાના દેશને ખરેખરો પ્રેમ કરતી હોય.

મને લાગે છે કે, આપણો દેશ એવી વ્યક્તિ પાસે હોવો જોઈએ કે જે, ‘દંડા’ના જોરે રાજ કરે અને ‘દંડા’ના ડરથી આપણને ઈમાનદાર દેશપ્રેમી બનાવે તેમજ નિષ્ઠાપૂર્વક જવાબદારીઓ બજાવવાની ફરજ પાડીને કાન આમળે, તેમ જણાવી જયસુખભાઈ પટેલ લેખ પૂર્ણ કરે છે

- text