બ્રાહ્મણી -2 ડેમ ફરી તળિયા ઝાટક : પાણીચોરી રોકવા માટેની ટીમ હજુ કાગળ ઉપર

- text


મોરબી, માળીયા, જામનગર, રાજકોટ અને ટંકારાના 100થી વધુ ગામો ઉપર તોળાતું જળસંકટ

મોરબી : મોરબી, માળીયા, જામનગર, રાજકોટ અને ટંકારાના 100થી વધુ ગામોને પાણી પૂરું પાડતો હળવદના સૂર્યનગર નજીક આવેલો બ્રાહ્મણી -2 ડેમ નર્મદાના નીરથી છલકાયાના એક મહિના જેટલા સમયમાં જ ફરી તળિયા ઝાટક થવાને આરે છે અને ફક્ત આઠ દિવસ ચાલે તેટલો જ જળજથ્થો બચ્યો હોય રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લાના ગામડાઓ ઉપર ફરી જળસંકટ ઘેરાયું છે. જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે, જિલ્લા કલેકટરે જળાશયોમાં થતી પાણી ચોરી અટકાવવા હુકમ કરી ટીમની રચના કરવા છતાં આ ટીમ માત્ર કાગળ ઉપર જ હોવાનું ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે.

મોરબી જિલ્લામાં હળવદના સૂર્યનગર નજીક આવેલ બ્રાહ્મણી -2 ડેમમાંથી મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત રાજકોટ અને જામનગર જિલ્લામાં ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હોય એકાદ માસ પૂર્વે બ્રાહ્મણી -2 ડેમના તળિયા દેખાઈ જતા નર્મદા કેનાલ મારફતે જળાશયને છલોછલ ભરી દેવામાં આવ્યું હતું. પાણી પુરવઠા વિભાગના સૂત્રોના મતે આ ડેમમાંથી દરરોજ 140 એમએલડી પાણી પીવા માટે આપવામાં આવે છે.

- text

બીજી તરફ બ્રાહ્મણી -2 ડેમમાંથી દરરોજ 140 એમએલડી પાણીના ઉપાડ ઉપરાંત આ ડેમમાંથી પાણીચોરી પણ થતી હોય હાલમાં આ ડેમમાં ફક્ત આઠેક દિવસ ચાલે તેટલો જ જળજથ્થો બચ્યો હોય જિલ્લા કલેકટર દ્વારા પાણીચોરી અટકાવવા સિંચાઈ વિભાગ, પીજીવીસીએલ અને હળવદ પોલીસની ટીમની તા.25ના રોજ રચના કરી તા.26 મેથી સવારે 8થી રાત્રીના 8 વાગ્યા અને રાત્રીના 8 વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી માટે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક 14 અધિકારી-કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ આ ચેકીંગ ટીમ માત્ર કાગળ ઉપર જ હોવાનું બહાર આવ્યું છે.

- text