વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસરના ત્રાસથી કર્મચારીઓની હડતાલ : પાણી વિતરણ, સફાઈ બંધ

- text


કામગીરી બાબતે કર્મચારીઓને હડધૂત કરી ગાળો ભાંડતા હોવાનો આરોપ : મહિલા ચીફ ઓફિસર માફી ન માગે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર કર્મચારીઓને વિનાકારણે તતડાવી નાખી ગાળો ભાંડતા હોવાના આરોપ સાથે આજથી પાલિકાના કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા શહેરમાં પાણી વિતરણથી લઈ સફાઈ કામગીરી તેમજ અન્ય લગત કામગીરી ઠપ્પ થઇ જતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નગરપાલિકામાં નિમણુંક પામેલા ચીફ ઓફિસર તેજલબેન મુંધવા દ્વારા વાંકાનેર પાલિકના કાયમી અને હંગામી કર્મચારીઓને કોઈપણ જાતના કારણ વગર તતડાવી નાખવાની સાથે મહિલા કર્મચારીઓ સાથે પણ અભદ્ર વર્તન કરતા હોવાનો આરોપ લગાવી આજથી પાલિકાના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓએ મહિલા ચીફ ઓફિસર ગાળો ભાંડતા હોવાનો પણ આરોપ લગાવી હંગામી કર્મચારીઓને છુટા કરી દેવા ધમકી આપતા હોવાનું જણાવી રહ્યા છે.

બીજી તરફ વાંકાનેર પાલિકાના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા આજથી વાંકાનેર શહેરમાં પાણી વિતરણ ન થતા ભાર ઉનાળે લોકોમાં દેકારો બોલી ગયો છે. સાથો-સાથ સફાઈ કામગીરી તેમજ પાલિકાને લગત અન્ય કામગીરી પણ ઠપ્પ થઇ જતા શહેરીજનોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે, વાંકાનેર પાલિકાના મહિલા ચીફ ઓફિસર પાલિકામાં નિયમિત આવતા ન હોવાનું અને બે ત્રણ કલાક કચેરીમાં બેસી અન્ય સ્થળે ત્યાં કર્મચારીઓને બોલાવી અપમાનિત કરતા હોવાથી જ્યાં સુધી ચીફ ઓફિસર માફી ન માંગે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રાખવામાં આવશે તેવું કર્મચારી સંગઠન દ્વારા જાહેર કરી અગાઉ પાટણ જિલ્લામાં ફરજ દરમિયાન પણ આ મહિલા ચીફ ઓફિસરની કાર્યપધ્ધતિ વગોવાયેલ હોવાનું કર્મચારી આલમ જણાવી રહ્યો છે.

- text