મિત્રને મળવા ગયા અને રાજુભાઇ ઠાકોરને દીવાલ રૂપી કાળ આંબી ગયો

- text


હળવદમાં જાણે કાળ બોલાવતો હોય તેમ ઘટના પહેલા જ મળવા આવેલા રાજુભાઇ પણ મિત્રના પરિવાર સાથે દટાઈ જતા ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

હળવદ : હળવદની ગોઝારી ઘટનાએ ત્રણથી ચાર પરિવારને હતા ન હતા કરી નાખ્યા છે. સૌથી કરુણતાએ છે કે, રાજુભાઇ ઠાકોર આ કારખાનામાં કામ કરતા ન હતા. પણ મિત્રને મળવા માટે ગયા હતા અને ચા આવે તે પહેલા જ કાળરૂપી દીવાલ ઘસી પડતા મિત્રના પરિવાર સાથે રાજુભાઇ ઠાકોર પણ મોતના ખપ્પરમાં હોમાઈ ગયા હતા.આથી તેમના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી મચી ગઇ છે.

મોરબી અપડેટ અને હળવદ બ્રેકિંગ દ્વારા હળવદની ગોઝારી ઘટનામાં બચી ગયેલા મૃતકના સ્વજનોને મળીને આખી દુઃખદ ઘટના કેવી રીતે બની તેનું સત્ય બહાર લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજુભાઇ જેરામભાઇ મકવાણા (ઠાકોર)ના પરિવારજનો સાથે મુલાકાત કરતા તેમણે રજૂ કરેલી વ્યથા સાંભળીને દરેકના ગળે ડૂમો બાઝી જાય એમ છે. રાજુભાઈના પિતા અને ભાઈ તેમજ સંતાનોએ આ બનાવની આપવીતી રજૂ કરતા હૈયાફાટ આક્રંદ કરી મૂક્યું હતું. જેમાં સૌથી કરુણ બાબત એ છે કે, રાજુભાઇ જે મીઠાના કારખાનામાં ઘટના બની એ કારખાનામાં કામ જ કરતા ન હતા. તેમના મિત્ર ડાયાભાઈ ભરવાડ ઘટનાના આગલા દિવસે જ આ કારખાનામાં પરિવાર સાથે મજૂરી કામે આવ્યા હતા. ઘણા સમય બાદ મિત્ર અહીં આવતા રાજુભાઇ ઠાકોર તેમને મીઠાના કારખાનામાં મળવા ગયા હતા.ત્યારે તેમને સ્વપ્નેય કલ્પના ન હતી કે કાળ તેમની રાહ જોઈ રહ્યો છે અને મિત્ર સાથે જ તેઓએ મોતને ભેટશે.

- text

રાજુભાઇ ઠાકોર મિત્ર ડાયાભાઈને મળવા ગયા એટલે ડાયાભાઈએ તેમના માટે ચા મંગાવી હતી. આથી ડાયાભાઈની દીકરી ચા લઈને આવી અને એ દીવાલ પાસે બધા ચા પીવા બેઠા એ સાથે જ મસમોટી દીવાલ પડી ગઈ અને દીવાલ પાસે જ બેઠેલા રાજુભાઇ તેમજ ડાયાભાઈ ભરવાડ, તેમના ધર્મ પત્ની રાજીબેન ડાયાભાઈ અને તેમની દિકરી દેવી સહિતના 12ના દટાઈ જતા મૃત્યુ નિપજ્યા હતા.

રાજુભાઇના અકાળે મોતથી તેમની બે પુત્રીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. રાજુભાઇના પરિવારજનોમાં ત્રણ સંતાનો, પત્ની, મા-બાપ અને ભાઈ છે. આ પરિવારની હાલત ખુબજ કપરી છે. રાજુભાઇ પણ મજૂરી કામ કરતા અને અન્ય પરિવારજનો પણ મજૂરી કામ કરતા હોવાથી એકદમ સાધારણ આર્થિક પરિસ્થિતિ છે.

- text