હળવદ ગોઝારી દુર્ઘટના : હળવદની બજારો શોકમય બંધ

- text


તમામ વેપારીઓએ અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખી ભારે હૈયે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

હળવદ : હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સાગર સોલ્ટ નામના કારખાનનાની ઉંચી જર્જરિત દીવાલે 12 શ્રમિકોને મોતના ખપ્પરમાં હોમી દીધા હતા. આ અતિ દુઃખદ અને કરુણ ઘટનાને પગલે હળવદ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.ત્યારે આજે દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા હળવદની તમામ બજારો શોકમય બંધ રહી હતી અને તમામ વેપારીઓએ અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખી ભારે હૈયે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સાગર સોલ્ટ નામના કારખાનનાની દીવાલ ગઈકાલે અચાનક ધરાશાયી થતા 12 જેટલા શ્રમિકોના કાટમાળ હેઠળ દટાઈ જવાથી કરુણ મોત નિપજતા હળવદ સહિત સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. કઠોર દિલના માનવીનું પણ દિલ હચમચી જાય તેવી આ કરુણ અને દુઃખદ ઘટનાથી સમગ્ર હળવદ પંથક ઊંડા આઘાતમાં સરી પડ્યું હતું. જો કે દુઃખની આપતિ વખતે ગઈકાલે જ હળવદના વેપારીઓએ સંવેદના વ્યક્ત કરીને મૃતકના પરિવારજનો અને ઇગગ્રસ્તોની વ્હારે દોડી ગયા હતા અને ઘટનાસ્થળે તેમજ સિવિલ હોસ્પિટલમાં પણ રાહત અને બચાવની કામગીરીમાં જોડાયા હતા. તેમજ વેપારીઓ દ્વારા મૃતકના પરિવારજનો સહિતના લોકો માટે પાણી સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

કરુણ ઘટનાને લઈને હળવદના તમામ વેપારીઓ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોને શ્રધાંજલિ આપવા માટે હળવદના તમામ વેપારીઓએ આજે અડધો દિવસનો શોક પાળવાનું નક્કી કર્યું હતું. એ મુજબ આજે સવારથી બપોર સુધી હળવદની તમામ બજારો શોકમય બંધ રહી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનાથી સમગ્ર માનવ જાતનું હૃદય દ્રવી ઉઠ્યું છે. વેપારીઓએ પણ આ હૃદય દ્રાવક ઘટનાને લઈને ઊંડો આઘાત વ્યક્ત કરી અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખી શોક સભા યોજીને મૃતકોને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

- text

- text