વગર વરસાદે શક્તિ સાગર ડેમ છલોછલ ભરાયો

- text


પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકાને એક મહિનો ચાલે એટલું પાણી ઠાલવાયું

હળવદ : ઉનાળાની ઋતુમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે થઈને તાજેતરમાં જ ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલ થકી હળવદ નજીક આવેલ બ્રાહ્મણી-2 ડેમ (શક્તિ સાગર ડેમ)ભરવામાં આવ્યો છે. હાલ ડેમ તેની પૂર્ણ સપાટીએ એટલે કે ૧૭.૫૦ફૂટે પહોંચી ગયો છે જેથી પાંચ જિલ્લાને એક મહિનો સુધી પાણી મળી રહે એટલું પાણી ડેમમાં ભરી દેવાયું છે સાથે જ ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ બંધ પણ કરી દેવામાં છે.

હળવદમાં આવેલ બ્રાહ્મણી-2 ડેમમાંથી હળવદ શહેર તાલુકા ઉપરાંત પોરબંદર મોરબી,જામનગર,રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને બલ્ક પાઇપલાઇન થકી gwil(ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે તેમજ પાણી પુરવઠા બોર્ડ દ્વારા પણ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના 38 ગામોને એનસીડી-૪ જુથ યોજન દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે.જોકે થોડા સમય પહેલા ડેમમાં પાણીનો જથ્થો ઘટી ગયો હોય જેથી ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલ તાત્કાલિક ચાલુ કરી હાલ ડેમને સંપૂર્ણ ભરી દેવાયો છે.

- text

સાથે જ બલ્ક પાઇપલાઇન થકી ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર દરરોજનું ૧૦૦થી ૧૧૦ એમએલડી પાણીનો ઉપાડ કરી રહ્યું છે તેમ જ પાણી પુરવઠા બોર્ડ ૧૦ થી ૧૨ એમએલડી પાણીનું વિતરણ કરી રહ્યું છે. જેથી એક અંદાજ મુજબ પાંચેય જિલ્લાને એક મહિના સુધી પાણીની સમસ્યા ન સર્જાય એટલો પાણીનો જથ્થો હાલ બ્રાહ્મણી-૨ ડેમમાં હોવાનું જાણવા મળ્યું છે જોકે વરસાદ ખેંચાશે તો હજુ પણ એક વખત બ્રાહ્મણી-૨ ડેમ ભરવો પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જિલ્લા કલેકટર દ્વારા બ્રાહ્મણી-૨ ડેમમાં પીવાના પાણીનો જથ્થો અનામત હોય જેથી ગેરકાયદેસર પાણી લેવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું.

- text