એશિયામાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર મેળવવાનું સન્માન રવીન્દ્રનાથ ટાગોર નામે..

- text


07 મે : ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગાનના રચિયતા રવીન્દ્રનાથ ટાગોરની આજે જન્મજયંતિ

1861માં 7 મે કોલકાતાના એક બંગાળી પરિવારમાં એક બાળકનો જન્મ થયો, જેને નામ મળ્યું રવીન્દ્ર. રવીન્દ્રનાથ ટાગોર ભારતીય સંસ્કૃતિના એક મહાન વ્યક્તિ છે. તેમણે બંગાળી સાહિત્યમાં ઘણી અમર કૃતિઓ આપી છે. તેઓ એક મહાન કવિ હોવાની સાથોસાથ મોટા વિચારક, ચિંતક, શિક્ષક, લેખક અને સાહિત્યકાર હતા. તેઓ એકમાત્ર ભારતીય છે, જેમને સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મળી ચુક્યો છે.


કોલકાતાના જોડોસાંકોની હવેલીમાં જન્મ :

રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ, કુટુંબ, શિક્ષણ, આપણા દેશના આ મહાન કવિનો જન્મ કોલકાતાના જોડોસાંકોની હવેલીમાં થયો હતો. તેમના પિતાનું નામ દેવેન્દ્રનાથ ટાગોર અને માતાનું નામ શારદાદેવી હતું. રવીન્દ્રનાથ ટાગોર કુલ 12 ભાઈ-બહેન હતા અને તે તેના માતા-પિતાના 13મા સંતાન હતા. રવિન્દ્રનાથ ટાગોરની માતાનું બાળપણમાં અવસાન થયું હતું અને તેમના પિતાએ એકલા હાથે તેમને અને તેમના ભાઈ-બહેનોને ઉછેર્યા હતા.

સાહિત્યના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા બેરિસ્ટરનો અભ્યાસ છોડ્યો : 

રવીન્દ્રનાથ ટાગોરે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી સ્કૂલ શિક્ષણ શરૂ કર્યું હતું. રવીન્દ્રનાથ ટાગોરના પિતા ઇચ્છતા હતા કે તેઓ બેરિસ્ટર બને અને તેથી તેમણે ટાગોર ને 1878 માં યુનિવર્સિટી કોલેજ લંડનમાં પ્રવેશ અપાવ્યો. અહીં થોડો સમય કાનૂની અધ્યયન કર્યા પછી, રવીન્દ્રનાથ ટાગોરે તેમનો અભ્યાસ છોડી દેવાનો નિર્ણય કર્યો અને બંગાળ પાછા ફર્યા. ખરેખર રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્યમાં ઘણી રુચિ હતી અને તેઓ સાહિત્યના ક્ષેત્રમાં જ પોતાની કારકીર્દિ બનાવવા માગતા હતા. 1880 માં બંગાળ આવ્યા પછી, તેમણે ઘણી કવિતાઓ, વાર્તાઓ અને નવલકથા પ્રકાશિત કરી અને તે બંગાળમાં પ્રખ્યાત થયા.

માત્ર 10 વર્ષના મૃણાલિનીદેવી સાથે લગ્ન થયા :

રવીન્દ્રનાથ ટાગોરે 1883 માં મૃણાલિની દેવી સાથે લગ્ન કર્યા. તેણે મૃણાલિની દેવી સાથે લગ્ન કર્યા હતા, તે સમયે મૃણાલિનીદેવી માત્ર 10 વર્ષના હતા. આ લગ્નથી તેમને પાંચ બાળકો થયા, જેમાંથી બેનું બાળપણમાં જ મૃત્યુ થયું હતું. તે જ સમયે, 1902 માં રવિન્દ્રનાથ ટાગોરની પત્ની મૃણાલિની દેવીનું પણ અવસાન થયું.

- text

કુલ 2230 ગીતો લખ્યા :

રવીન્દ્રનાથ ટાગોરે તેમના જીવનકાળમાં ઘણા પુસ્તકો, નાટકો, નિબંધો, ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ લખી છે. તેમના નાટકો, પુસ્તકો અને ટૂંકી વાર્તાઓ દ્વારા તેઓ લોકો ને ખોટા રિવાજોના નકારાત્મક પ્રભાવ વિશે કહેતા. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલી ટૂંકી વાર્તાઓ ‘કાબૂલીવાલા’, ‘ક્ષુદિત પશ્નન’, ‘અટોત્જુ’, ‘હેમંતી’ અને ‘મુસ્લિમનીર ગોલ્પો’ ખૂબ પ્રખ્યાત છે. જ્યારે તેમના દ્વારા લખેલી નવલકથાઓ ‘નૌકદૂબી’, ‘ગોરા’, ‘ચતુરંગા’, ‘ઘર બાયર’ અને ‘જોગજોગ’ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કવિતાઓ, નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ લખવા ઉપરાંત, રવીન્દ્રનાથ ટાગોરને ગીતો લખવાનો પણ શોખ હતો અને તેમણે તેમના જીવનકાળ દરમિયાન કુલ 2230 ગીતો લખ્યા હતા.

પ્રકૃતિ પ્રેમના લીધે શાંતિ નિકેતનની સ્થાપના :

રવિન્દ્રનાથે સાહિત્ય, સંગીત કલા અને શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. તેમને પ્રકૃતિનું સાનિધ્ય ખુબ પસંદ હતું. તેમનું માનવું હતું કે વિદ્યાર્થીઓએ પ્રકૃતિ પાસે રહીને શિક્ષણ મેળવવું જોઈએ. આ વિચારથી પ્રેરાઈને તેમણે શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી.

બે દેશોના રાષ્ટ્રગાનના રચિયતા :

ટાગોર સાથે એક અનોખી સિદ્ધિ સંકળાયેલી છે. તેઓ એકમાત્ર કવિ છે જેમની રચનાઓને બે દેશોએ પોતાનું રાષ્ટ્રગીત બનાવ્યું છે. તેઓ જીવતા હતા ત્યારે આ અંગે ન જાણી શક્યા, કારણ કે ભારત અને બાંગ્લાદેશની આઝાદી પહેલા 1941માં જ તેમનું અવસાન થઇ ગયું હતું. શ્રીલંકાના રાષ્ટ્રીય ગીત ‘શ્રીલંકા મથા’ પણ ગુરુદેવની રચનાઓથી પ્રેરિત હોવાનું કહેવાય છે. આ રાષ્ટ્રીય ગીત લખનારા આનંદ સમરકૂન, શાંતિ નિકેતનમાં રવિન્દ્રનાથ ટાગોર પાસે રહેતા હતા અને તેમણે કહ્યું હતું કે તેઓ ટાગોર સ્કૂલ ઑફ પોએટ્રીથી ખૂબ પ્રભાવિત હતા.

નોબેલ પુરસ્કાર વિજેતા :

રવીન્દ્રનાથ ટાગોરે લખેલી ગીતાંજલિ કવિતા માટે વર્ષ 1913 માં તેમને નોબેલ પુરસ્કાર મળ્યો. આ સાથે, તે ભારતીય મૂળ અને એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા, જેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. વર્ષ 1915 માં, તેમને બ્રિટીશરોએ ‘સર’ ની પદવી પણ આપી હતી.

80 વર્ષની જૈફ વયે નિધન :

80 વર્ષની જૈફ વયે 7 ઓગસ્ટ 1941 ના રોજ કોલકાતા અને તે સમયના બ્રિટીશ ભારતમાં તેમનું અવસાન થયું હતું.

- text