સાલા એક ખાડા ! મોરબીમાં ગટરનો ખાડો બુરવામાં એસટી અને પાલિકા તંત્ર વામણું પુરવાર, ધબાધબ ખાબકતી એસટી

- text


નવા બસ સ્ટેન્ડ પાસે ગટરની ખુલ્લી કુંડીમાં દસથી વધુ બસો ફસાઈ

તંત્રના પાપે લોકો રામભરોસે, વારંવાર ખુલ્લી કુંડીમાં વાહનો ખાબકતા હોવા છતાં તંત્ર મુકપ્રેક્ષક બનીને તમાશો જ જોતા લોકોમાં ઉગ્ર આક્રોશ

મોરબી : નાના પાટેકરનો પ્રખ્યાત ડાયલોગ સાલા એક મચ્છર આદમી કો…. બના દેતા હૈ ની માફક મોરબીમાં એક ખાડાએ એસટી અને નગરપાલિકા તંત્રની આબરૂ લીલામ કરી નાખી છે. મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે ભૂગર્ભના ખુલ્લા ખાડામાં છેલ્લા પાંચ દિવસમાં દસથી વધુ એસટી બસો ખાબકી છે પરિણામે કેટલાયના તોલા રંગાઈ ગયા છે છતા તંત્ર પગલાં ભરતું નથી. વારંવાર ખુલ્લી કુંડીમાં વાહનો ખાબકતા હોવા છતાં તંત્ર મુકપ્રેક્ષક બનીને તમાશો જ જોતા લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.

મોરબીના નવા બસ સ્ટેન્ડના ગેઇટ પાસે આવેલી ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી ફરીવાર તૂટી ગઈ છે. જો કે અગાઉ પણ અહીંયા ગટરની કુંડી તૂટી જતા અનેક વાહનો તેમાં ફસાયા ભારે દેકારો થવાથી અંતે તંત્ર જાગ્યું હતું. પરંતુ કુંડી રીપેર કરવાનું કામ ઢંગઘડા વગરનું કરતા ફરી ગત રવિવારે આ કુંડી તૂટી જતા છેલ્લા પાંચ દિવસથી એસટી બસ આ ખુલ્લી કુંડીમાં ખાબકતા કેટલાય મુસાફરોના તોલા રંગાઈ ગયા છે અને બસને પણ નુકશાન પહોંચતું હોવા છતાં ન તો નઘરોળ નગરપાલિકાની ઉંઘ ઉડી કે નથી ડેપો મેનેજરની ઊંઘ ઊડી, છેલ્લા પાંચ દિવસમાં વોલ્વો સહિત દસથી વધુ એસટી બસ કુંડી ખાબકી હતી.જેથી આ બસોને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી.

ગંભીર બાબત તો એ છે કે, ખુલ્લી ગટરની કુંડીમાંથી સતત ગંદા પાણી વહી રહ્યા હોય લોકોને દુર્ગંધ અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ગટર સતત છલકાતી હોય અને ત્યાં પાણી ભરાઈ રહેવાથી વાહન ચાલકોને ખાડો હોવાનો સ્વાભાવિક રીતે જ ખ્યાલ ન હોવાથી તેમાં ખાબકે છે. આથી આ ગંભીર મામલે સ્થાનિક એસટી તંત્રએ નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને આ સમસ્યાનો યોગ્ય રીતે નિરાકરણ લાવવાની માંગ કરી છે. પરંતુ હજુ સુધી તંત્ર હરકતમાં આવ્યું નથી. તેથી વાહનો ચાલકોની સલામતી ભગવાન ભરોસે થઈ ગઈ છે. જેથી વહેલી તકે ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીનું યોગ્ય રીતે રિપેરીગ કરવા અને એસટી તેમજ અન્ય ખાનગી વાહન ચાલકોની સલામતી માટે ત્યાં મજબૂતાઈથી બાંધકામ કરવાની માંગ ઉઠી છે.

- text

- text