ટિકર નજીક ખેડૂતે શેઢો સળગાવતા આગ ભભૂકી : ઝુંપડા – ઘાસચારો સાફ

- text


એક બાઈક અને 15 ટ્રેકટર ઘાસચારો ભસ્મીભૂત : ગરીબોનું છત્ર પણ ભડથું

હળવદ : હળવદ તાલુકાના ટિકર ગામથી ઢસી જવાના રસ્તે એક ખેડૂતે શેઢે પાળે ઉગેલું ઘાસ સળગાવતા વિકરાળ આગ ભભૂકી ઉઠતા ખેતર નજીક આવેલ પાંચથી છ જેટલા ગરીબોના ઝુંપડા બળી ગયા હતા સાથે જ નજીકમાં પડેલ બાઈક આગની ચપેટમાં આવી ગયું હતું અને 15 ટ્રેકટર જેટલો ઘાસચારો પણ આગમાં ભસ્મીભૂત થઈ ગયો હતો.

કાળઝાળ ગરમી અને રણના પવન વચ્ચે આજે ટિકર ગામ નજીક ઢસી જવાના રસ્તા ઉપર હસુભાઈ પટેલ નામના ખેડૂતે પોતાના શેઢા પાળા સાફ કરવા નકામું ઘાસ સળગાવતા પળવારમાં જ સળગતા ઘાસે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ખેતર નજીક આવેલ ગરીબ પરિવારોના પાંચથી છ ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.

આ ઉપરાંત આગને કારણે ખેતર નજીક પડેલું એક બાઈક ભસ્મીભૂત થવાની સાથે પશુધન માટે ચોમાસામાં ખવડાવવા રાખવામાં આવેલો 15 ટ્રેકટર જેટલો મોંઘો ઘાસચારો પણ સળગી ઉઠતા ગામલોકોએ મહા મુસીબતે આગ બુઝાવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે, ખેડૂત હસુભાઈ શેઢા ઉપર ઘાસ સળગાવી રહ્યા હતા ત્યારે ગ્રામજનોએ ઘાસ નહિ સળગાવવા સમજાવ્યા હતા આમ છતાં તેઓએ શેઢા ઉપર દિવાસળી ચાપતા જ પળવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

- text