માળિયામાં સતત બીજા દિવસે બેઠા પુલ પરથી પેસેન્જર રીક્ષા નદીમાં ખાબકી

- text


નદીમાં ખાબકેલી રીક્ષા ખુલી હોવાથી ડ્રાઇવર સહિત પેસેન્જરોને સ્થાનિક લોકોએ બચાવી લીધા

માળીયા : માળિયા મીયાણા શહેરથી હાઇવે જવા માટેનો રસ્તો હાલ ખરાબ હાલતમાં હોય જેથી લોકોને નાછુટકે માળીયા નજીક મચ્છુ નદી પરના બેઠા પુલ ઉપર અવરજવર કરવાની ફરજ પડે છે. પરંતુ નદી પરના બેઠા પુલ પસાર થવું જોખમકારક હોવાથી આજે સતત બીજા દિવસે બેઠા પુલ પરથી પેસેન્જર રીક્ષા નદીમાં ખાબકી હતી. પરંતુ સદભાગ્યે જાનહાની ટળી હતી.

માળીયા નજીક આવેલ બેઠા પુલ પર પાણી હોવાથી શેવારના લીધે વાહન ચાલકો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસે છે.તેમ છતાં કોઈ વિકલ્પ ન હોવાથી લોકોને મનેકમને જીવના જોખમે બેઠા પુલ ઉપર પસાર થવું પડે છે. ગઈકાલે એક ઇકો પેસેન્જર કાર આ બેઠા પુલ પરથી નદીમાં ખાબકી હતી. જેથી એક પેસેન્જર વૃધ્ધાનું મોત નિપજ્યું હતું.ત્યારે આજે લગાતાર બીજા દિવસે પેસેન્જર ભરેલી સીએનજી રીક્ષા નદીમાં ખાબકતા રીક્ષા ખુલી હોવાથી ડ્રાઇવર સહિત પેસેન્જરોને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા અને ફરીથી મોટી જાનહાનિ સહેજમાં અટકી હતી.

- text

માળીયામાં વાહન ચાલકોને જીવના જોખમે આવી જોખમી સવારી કરવાની નોબત આવી છે. સ્થાનિક રહેવાસીઓએ રોષભેર જણાવ્યું હતું કે,આ બાબતે વખતોવખત રજુઆતો કરવા છતાં માળિયા મીયાણા શહેરથી હાઇવે સુધીના ત્રણ કિલોમીટરની રોડની હાલતમાં કોઇ સુધારો ન આવતા શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને માળિયા મીયાણા મચ્છુ નદીના બેઠા પુલનો આશરો લેવો પડી રહ્યો છે, પુલ પરથી પસાર થતી વખતે ઉપરવાસમાં મચ્છુ 3 નદીમાં કામ ચાલુ હોવાથી પાણી છોડવામાં આવ્યું છે જેથી બેઠા પુલ પર પાણીથી શેવાર જામી જતાં અહીંથી પસાર થતાં વાહનો જોખમી પુલ પરથી સ્ટેરીંગપરનો કાબુ ગુમાવી દેતાં હોય છે, જેના કારણે વધું પરિસ્થિતિ વિકટ બને તેવી દહેશત સેવાઈ રહી છે આથી આવનાર દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના ન બને તે પહેલાં મુખ્ય માર્ગનું સમારકામ તાત્કાલિકના ધોરણે કરવા સંબધિત તંત્ર સમક્ષ માગણી કરાઈ છે.

- text