સરકારી શાળામાં શાહી ઠાઠથી ઔષધીયુક્ત સ્નાન કરતા બાળકો

- text


અભ્યાસમાં અવ્વલ એવી મોડેલ મેરૂપર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા નવતર પહેલ

હળવદ : અગાઉના સમયમાં રાજા રજવાડા ઉનાળાના સમયમાં ખાસ ફૂલો અને ઔષધીયુક્ત સ્નાન કરવા પાણીનો ખાસ હોજ તૈયાર કરી ઠંડક મેળવતા હતા. બરાબર આવી જ રીતે હળવદ તાલુકામાં અભ્યાસમાં અવ્વલ આવતી મોડેલ મેરૂપર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ નવતર પહેલ કરી રાજા સમાન બાળકોને ઔષધીયુક્ત સ્નાન કરાવવા શાળામાં જ ખાસ હોજ બનાવ્યો છે.

સામાન્ય રીતે સરકારી શાળા વિશે મનમાં કલ્પના કરતા જ તૂટેલી ફુટેલી બેન્ચ, રંગ રોગાન વગરની દીવાલો અને વિશાળ મેદાન છતાં પાનખર ઋતુના વૃક્ષો જેવા બગીચા નજરે પડે… પરંતુ આ બધાથી જરા હટકે એવી હળવદ તાલુકાની નમૂનેદાર મેરૂપર સરકારી પ્રાથમિક શાળા જુઓ તો સરકારી શાળા વિશેનો તમારો ખયાલ જ બદલાય જાય, અહીં ઘેઘુર લીલાછમ વૃક્ષ, સુંદર શાળાના ઓરડા, ચોખ્ખું ચણાક વાતાવરણ વચ્ચે શિસ્તબદ્ધ સૈનિકો જેવા બાળકો જ નજરે પડે.

હાલ ઉનાળાની ઋતુ જોતા અહીંના પ્રયોગશીલ અને બાળકોને પોતીકા બાળકો જ સમજતા સમર્પિત શિક્ષકો દ્વારા બાળકો માટે સમગ્ર ભારતભરમાં ક્યાંય ન હોય તેવી સુવિધા વિકસાવી છે. અગાઉના જમાનામાં જેમ રાજા મહારાજા શાહી સ્નાન કરતા તેવી જ રીતે પોતાની શાળાના બાળકોને રાજા મહારાજા માનતા શિક્ષકો દ્વારા અહીં એક ખાસ પાણીનો હોજ બનાવી તેમાં વિવિધ સુગંધી ફૂલો અને ઔષધીઓનું મિશ્રણ કરી શાહી સ્નાન કરાવવામાં આવે છે અને બાળકો હોંશભેર પાણીમાં ધુબાકા મારી મોજમસ્તી કરે છે.

- text

સરકારી શાળામાં મોટાભાગે સુવિધાઓ મળતી હોતી નથી ત્યારે મેરૂપર સરકારી શાળામાં સમર્પિત શિક્ષકોને કારણે હાલમાં સુવિધાઓની ભરમાર વચ્ચે અહીં એડમિશન મેળવવું પણ ગૌરવ સમાન બન્યું છે.

- text